PM મોદી અને ઈઝરાયલના PM બુધવારે ગુજરાતમાં, યાદગાર બનશે રોડ શો

અમદાવાદઃ ચીન અને જાપાન બાદ હવે ઈઝરાયલના વડાપ્રધાન ગુજરાતીઓના આતિથ્યને માણવા માટે બુધવારે ગુજરાત આવી રહ્યાં છે. બુધવારે વડાપ્રધાન મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના અમદાવાદમાં યોજાનારા રોડ શોને લઈને બન્ને દેશોની સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો બીજીબાજુ વહીવટીતંત્ર દ્વારા આ મુલાકાતને ઐતિહાસિક બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.

બન્ને વડાપ્રધાન બુધવારે સવારે 10.15 વાગ્યે એરપોર્ટ પર આવશે ત્યાંથી ખુલ્લી જીપમાં બન્ને વડાપ્રધાન રોડ શો કરીને સાબરમતી ગાંધી આશ્રમ પહોંચશે. આશ્રમમાં 20 મીનિટ જેટલો સમય પસાર કર્યા બાદ બન્ને વડાપ્રધાન એરપોર્ટ પરત ફરશે અને ત્યાંથી હેલીકોપ્ટર મારફતે ગુજરાતના આગળના કાર્યક્રમોના સ્થળે જવા માટે રવાના થશે.

મહત્વનું છે કે ભારતના વડાપ્રધાન મોદી વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર જાહેર અભિવાદન ઝીલવાના હોવાથી ભાજપ સંગઠન દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના માર્ગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 50થી વધુ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્ટેજ પર ગુજરાતના કળા અને સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રત્યેક સ્ટેજની વચ્ચેના અંતર પર ઠેર ઠેર બેરીકેડ ગોઠવી જાહેર જનતા બંન્ને મહાનુભાવોનું અભિવાદન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના માર્ગમાં 22થી વધુ રાજ્યોના વિવિધ કલાવૃંદ દ્વારા પણ પ્રસ્તુતી રજૂ કરવામાં આવશે.