આર્ચરકેર કૌભાંડ મામલે નવો વળાંક, પોલિસ કમિશનરે આપ્યો આ આદેશ

અમદાવાદઃ એક કા ડબલ કમાવાની લાલચે અંજામ આપેલા આર્ચરકેર છેતરપિંડી કેસમાં આજે હવે નવો વળાંક આવ્યો છે. શહેર પોલિસ કમિશનર એ કે સિંઘે 260 કરોડના કૌભાંડની સમગ્ર તપાસ માટે  સ્પેશિયલ ઇનેવેસ્ટિગેશન ટીમની રચના કરી છે.આ સીટ આવતીકાલથી સમગ્રતયા કાર્યભાર સભાળી લેશે.આર્ચર કેર કંપની ખોલીને લોકોને નાણાં બમણાં કરી આપવાની લાલચ આપી મેમ્બરશિપના નામે આશરે 260 કરોડ રુપિયા લઇને વિનય શાહ વિદેશ ફરાર થઈ ગયાંનો મામલો ટોક ઓફ ધ સ્ટેટ બનેલો છે ત્યારે સીટની તપાસમાં વધુ તથ્યો બહાર આવશે.

આ ટીમમાં 3 IPS અને 1 ACP નો સમાવેશ સેકટર 1 ના JCP ની આગેવાનીમાં અન્ય બે IPS અધિકારીઓ કૌભાંડ ની તપાસ ઉપરાંત વિનય શાહના પત્ર અને તેમાં કરાયેલા આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે. વિનય શાહની થલતેજ ખાતેની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યું છે.

દરમિયાનમાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વિનય શાહ તેમ જ તેની કંપનીના એજન્ટો વિરુદ્ધ ફરિયાદો દાખલ થઈ રહી છે. કેટલાક એજન્ટોએ બાપુનગર અને મણિનગરમાં એકઠાં થઈને કૌભાંડ મામલે બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે વિનય શાહે લાભપાંચમ પછી નાણાં પરત આપવાનું વચન આપ્યું હતું.અમને લોકોના ઉઘરાણાં થઈ રહ્યાં છે પરંતુ વિનય શાહ વિદેશ ફરાર થઈ જતાં અમે મુસીબતમાં મૂકાયાં છીએ.

નિકોલ પોલિસ સ્ટેશનમાં અમિત ભાવસાર નામના વ્યક્તિએ વિનય શાહના એજન્ટ મુકેશ સોની સામે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેણે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે એજન્ટોએ મેમ્બરશિપ માટે રુપિયા પડાવ્યાં હતાં.અશોક જાડેજા સ્કેંમમાં ફસાયેલાં રુપિયા હોય કે અભય ગાંધીએ એક કા ડબલની લાલચમાં લોકોના કરોડો ખંખેર્યાં હોય તેમાં તપાસના સરવાળે લોકોના રુપિયા પડી ગયાંનું જ સામે આવ્યું છે ત્યારે આ સીટ કેટલાં નાણાં પાછાં લાવશે તેના પર આર્થિક નિષ્ણાતોની નજર રહેશે.