સુરતથી શિર્ડી હવાઈ માર્ગે; 15મી ફેબ્રુઆરીથી ફ્લાઈટનો થશે આરંભ

સાંઈભક્તો હવે કલાકમાં શિર્ડીનાં સાંઈબાબાના દર્શને પહોંચી શકશે

સુરત – ડોમેસ્ટિક સ્તરે હવાઈ માર્ગે મુસાફરી સરળ બની રહે તે દિશામાં હંમેશા પ્રયાસરત સુરતની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા વધુ એક નવું સાહસ ખેડવામાં આવી રહ્યું છે. ગુજરાતના પ્રમુખ શહેરોને જોડતી ફ્લાઈટ શરૂ કર્યા બાદ હવે આગામી સમયમાં સુરતથી મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી સુધીની ફ્લાઇટનો આરંભ થવાનો છે. જે માટેનું ટેસ્ટિંગ આજ રોજ કરવામાં આવ્યું હતું.

આ અવસરે વેન્ચુરા એરકનેક્ટના ડિરેક્ટર ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે એક સમયે સુરત હવાઈ સેવા મેળવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું હતું. ત્યારે સુરતની જનતાનું સપનું સાકાર કરવા અને સુરત સાથે વધુને વધુ શહેરો હવાઈ માર્ગે જોડવા તે માટે સુરતના ડાયમંડ ક્ષેત્રના ઉદ્યોગકારોએ સાહસ ખેડી વેન્ચુરા એરકનેક્ટ કંપનીની સ્થાપના કરી છે. સુરતીઓ જ નહીં, પણ ગુજરાતની જનતાનું પગલું હાથ ધરીને એરકનેક્ટ કંપનીની સ્થાપના કરવામાં આવી છે.

આજે એરકનેક્ટ દ્વારા ડોમેસ્ટિક સ્તરે હવાઈ સેવા છેલ્લા 4 વર્ષથી આપવામાં આવી રહી છે. સુરત સાથે ગુજરાતના પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, વગેરેને જોડતી ફ્લાઈટ્સ શરૂ કરીને મુસાફરી સરળ બનાવાઈ છે ત્યારે હવે આંતરરાજ્ય હવાઈ સેવા તરફ કંપનીએ ડગલું માંડીને સુરતથી શિર્ડીની ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે આજ રોજ ફ્લાઇટ ટેસ્ટિંગ કરાયું હતું અને અંદાજિત આગામી 15મી ફેબ્રુઆરીથી નિયમિત રીતે ફ્લાઇટ શરૂ કરવાનું કંપનીનું આયોજન છે.

ફ્લાઈટના શિડ્યૂલ અંગે એરકનેક્ટના ડિરેક્ટર ઈશ્વરભાઈ ધોળકિયાએ કહ્યું કે સુરતથી ગુજરાતના પ્રમુખ શહેરોની સાથે એર કનેક્ટીવિટી જોડાયેલી છે ત્યારે ગુજરાતના આ શહેરોનાં લોકોને શિર્ડી જવું વધુ સરળ બની શકે તે માટે વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી શિર્ડી ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ફ્લાઈટ રેગ્યુલર શરૂ થયા બાદ સુરતથી શિર્ડી વચ્ચેનું અંતર માત્ર એક કલાકનું રહી જશે. જેથી સાંઈ ભક્તો ઓછા સમયની સાથે નજીવા બજેટમાં સાંઈબાબાના દર્શન કરી માત્ર 4 કલાકમાં સુરત પહોંચી શકશે.