‘વાયુ’ ફરી ચડ્યો! આ તારીખોમાં કચ્છ ભણી પાછું આવવાની સંભાવના

અમદાવાદ-જોરાવર વાયુ વાવાઝોડાંને સત્તાવાર વિદાય આપીને હળવા ઝયેલાં ગુજરાતના લોકો અને પ્રશાસનને ફરી સાવધાન થઇ જવું પડે તેવા સમાચાર મળ્યાં છે. વાયુ વાવાઝોડું વળાંક લઈને ઓછી તીવ્રતા સાથે  કચ્છ તરફ પાછું આવે એવી સંભાવના હવામાનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.વાયુ સાયક્લોનને લઇને સામે આવેલા આ તાજા ખબર સામે રાજ્ય સરકાર હવામાન વિભાગના સંકલનમાં ગતિવિધિઓ પર ચાંપતી નજરરાખી રહી છે અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવી રહી છે.પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડું – વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. 17  કે 18 જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચીવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે  કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે.

હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. પંકજકુમારે  નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની  અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર  પરિસ્થિતિ પર  સંપૂર્ણ  નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.