આ એરિયામાં અધધધ 1 અબજનો બાકી વેરો નીકળે છે…

વલસાડ– માર્ચ એન્ડિંગને લઇને મિલકત વેરાવસૂલાતની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે ઔદ્યોગિક વિસ્તાર વાપીમાં નોટીફાઈડ હસ્તકની મિલકતવેરા પેટે રૂપિયા એક અબજનું ઉઘરાણું બાકી બોલાઈ રહ્યું છે જેમા એવા પણ મિલકત ધારકો છે જેમની વિવિધ સંસ્થાઓના નામે રૂપિયા એક કરોડથી લઇને પાંચ કરોડ રૂપિયા સુધીનું ઉઘરાણું વર્ષોથી બાકી છે.

નોટીફાઈડ વિસ્તારમાં એજ્યુકેશન,  હોસ્પિટલ, CETP  પ્લાન્ટ,  વાપી વેસ્ટ અને વી આઈ એ એસોસિએશન જેવી ૧૭ જેટલી સંસ્થાઓ પણ આવે છે અને આ સંસ્થાઓનું ૨૦ કરોડ જેટલું માગણું છેલ્લા પાંચથી વધુ વર્ષોથી બાકી છે. વાપી જીઆઈડીસીના મોટાભાગની  પેપર મિલ સંચાલકો પાસેથી એક કરોડથી લઇને પાંચ કરોડ સુધીની મિલકત વેરા વસૂલાતની રકમ બાકી છે. એવી જ રીતે જીઆઈડીસીની ખ્યાતનામ કેમિકલ કંપનીઓની પણ મિલકત વેરા વસૂલાતની રકમ પેન્ડિંગ પડી છે.

તો,  ૧૭ જેટલી સંસ્થાકીય મિલકતોનો વેરો પણ વર્ષોથી બાકી બોલે છે જેમાં કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-સીઈટીપીનો સાડા ચાર કરોડ રૂપિયાનો વેરો બાકી છે. વાપી વેસ્ટ એન્ડ એફ્લ્યુઅન્ટ મેનેજમેન્ટનો ૨.૮૦ કરોડ, હરિયા હોસ્પિટલનો ૧.૭૫ કરોડ, જ્ઞાનધામ સ્કૂલ ૧.૫૭ કરોડ, વાપી વેસ્ટ એન્ડ એફ્લ્યુઅન્ટ મેનેજમેન્ટ પ્રોપર્ટી નંબર ૪૮૦૭,૫૬૦૩ થી ૫૬૧૩નો ૧.૫૧ કરોડ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-વીઆઈએ સેન્ટર ફોર એક્સલન્સ ૧.૧૩ કરોડ, વાપી વીઆઈએ ૨૫ લાખ રૂપિયા, જીઆઈડીસી રોફેલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમબીએ કોલેજનું ૬૧.૧૫ લાખ, હરિયા હોસ્પિટલ સંસ્થાની વિવિધ મિલકત અંગે વાત કરીએ તો મિહિર સીટી સ્કેન સેન્ટરનું  ૬.૨૯ લાખ ,હરિયા કેન્ટીનનું ૨ લાખ, હરિયા મેડિકલ સ્ટોરનું ૬૨ હજાર, આર કે મેમોરિયલ ટ્રસ્ટનું ત્રણ લાખ, ગ્રામીણ વિકાસ મંડળ હાઇસ્કૂલનું ૬૩ લાખ, સેન્ટ મેરી સ્કૂલ ઈંગ્લિશ મીડિયમનું ૪૬ લાખ, કૌશિક હરિયા એજ્યુકેશન ફાઉન્ડેશનનું ૪૫ લાખ , લાયન્સ કલબ ઓફ વાપી ઉદ્યોગનગર ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉપાસના સ્કૂલ અને બ્લડ બેંકની 52 લાખ જેટલી વેરાવસૂલાત બાકી હોવાની વિગતો સામે આવી રહી છે…

મિલકત વેરાના મુદ્દલ વેરાની વાત કરીએ તો ૫૪.૬૦ કરોડ છે જે છેલ્લા ઘણા વર્ષોથી બાકી રહેતાં  આ મુદ્દલ રકમ પર ૪૫.૬૦ કરોડ રૂપિયાનું વ્યાજ ચડ્યું છે અને કુલ રકમનું માગણું આજે એક અબજને પાર કરી ચૂક્યું છે.

પાંચ હજારથી લેણી રકમ માટે ઢોલનગારાના તાલે રીકવરી કરવામાં આવે છે. જો આ પહેલ નોટીફાઈડ એરિયામાં પણ હાથ ધરવામાં આવે અને આ લાખો કરોડોના બાકી લેણદારો પર ઢોલનગારાના તાલે વેરા વસૂલાત કરવામાં આવે તો કંઇક પરિણામ મળી શકે તેમ સામાન્ય નાગરિકો જણાવી રહ્યાં છે.