3 દિવસથી દરીયામાં કરંટ, પણ માછીમારોને ન મળી માહિતી, 200 બોટ લાપતા!

વલસાડ- અરબી સમુદ્રમાં 3 દિવસથી કરંટ હોવાની માહિતી સમયસર ન મળી હોવાની ફરિયાદ ઊઠી છે. એકતરફ ધરતીકંપના 3ની તીવ્રતા નીચેના હળવા આંચકાના ખબરો હતાં ત્યાં આ મામલે હવામાનવિભાગ દ્વારા કાચું કપાયું હતું.  વલસાડના 200 માછીમારો દરીયામાં ફસાયા હોવાની આશંકા છે.ફાઈલ ચિત્ર

ભારે પવનના દબાણને લીધે અરબી સમુદ્ર ગાંડોતૂર બન્યો છે જેને પગલે મુંબઈ તરફ માછીમારી કરવા ગયેલી 700 બોટમાંથી 200 બોટ સંપર્ક વિહોણી બની હોવાની ખબર સામે આવી રહી છે. જ્યારે વલસાડની 300 બોટ કોડીનાર બંદરે લંગારવામાં આવી છે. તેમ જ 100 જેટલી બોટ વલસાડ પરત ફરી છે.

માછીમારી કરવા ગયેલા માછીમારો મધદરિયે જ મુશ્કેલીમાં મુકાયા છે. સમયસરની માહિતીના અભાવે સંકટમાં મૂકાયેલા સાથીઓને લઇને માછીમારો અને તેમના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે હવામાન વિભાગ દ્વારા મહત્વની વાત અમારા સુધી પહોંચાડવામાં ન આવી. જો એમણે પહેલા જાણ કરી હોત તો માછીમારી કરવા દરીયામાં ન ગયા હોત. આ પહેલાં પણ માછીમારો અને હવામાન વિભાગ વચ્ચે સંકલન ન રહેતાં આવી મુશ્કેલીઓ નડી છે.