ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન થયું સોશિયલ મીડિયામાં વાયરલ

વડોદરા: વિવાદમાં રહેવા ટેવાયેલા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે એક ચૂંટણીસભાને સંબોધન કરતા વિવાદિત નિવેદન આપ્યું હોવાની વાત બહાર આવી છે. એક જાહેરસભામાં તે મતદારોને એ મતલબનું કહેતા સાંભળવા મળ્યા હતા કે, વડોદરાના દરેક બુથ ઉપરથી કમળનું નિશાન ખીલવું જોઇએ. જો એવું નહીં થાય તો હું તમને ઠેકાણે પાડી દઇશ.

મધુ શ્રીવાસ્તવના આ નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઈરલ થયો છે. (ચિત્રલેખા.કોમ આ વિડીયોની સત્યતાની પુષ્ટી કરતું નથી.)

વાઇરલ થયેલા આ વિડીયો પ્રમાણે એમણે એવું કહયું હતું કે, જો ભાજપને મત ન આપ્યો તો ગેરકાયદેસર રહેતા લોકો કાન ખોલીને સાંભળી લેજો કે ઠેકાણે પાડી દઈશ. હું તો લડતો નથી પણ દાદાગીરી કરીને કહું છું. તમને વર્ષોથી અમે પાળી રહ્યાં છીએ. પાણી, ડ્રેનેજ, લાઇટ વગેરેની સુવિધા પૂરી પાડી રહ્યા છીએ. તમે વેરો પણ ભરતા નથી અમને ખબર છે.

 

મધુ શ્રીવાસ્તવના આ વિવાદીત નિવેદન અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે અને વડોદરા કલેક્ટરે તપાસના આદેશ પણ આપ્યા છે. આચારસંહિતા ભંગ મામલે તપાસ કરાશે.

જો કે પછીથી આ સમગ્ર મામલે મધુ શ્રીવાસ્તવે મીડિયાને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આ વિડીયો કોઇને ચેડાં કરીને મુક્યો હશે. હું આવું કાંઇ બોલ્યો નથી.

યાદ રહે કે, મધુ શ્રીવાસ્તવ વડોદરા લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા ઇચ્છતા હતા, પણ ભાજપે રિપીટ થીયરી અપનાવીને સિટીંગ સાંસદ રંજનબહેન ભટ્ટને જ ટિકિટ આપી છે.