વડોદરા: તેજલ પટેલનું ‘અવિરત’ પ્રદર્શન, અનુભવોને મળ્યું ચિત્રોનું માધ્યમ

અમદાવાદ– વડોદરા સ્થિત કલાકાર તેજલ પટેલે પોતાની પેઈન્ટિંગ સીરિઝ ‘અવિરત’ દ્વારા શહેરની લલિત કલા અકાદમી ખાતે પોતાના અનુભવોને ચિત્રોના માધ્યમથી રજૂ કર્યા છે. તેમના આ પ્રદર્શનનું ઉદઘાટન જાણીતાં કલાકાર નટુભાઈ પરીખ તથા વિશાલા રેસ્ટોરાંના ડીઝાઈનર અને વિઝ્યુલાઈઝર સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયું હતું.

તેજલ પટેલની સુંદર કળા તમને વિશ્વના વિવિધ સ્થળોની અનુભૂતિ કરાવશે જ્યારે બુદ્ધથી પ્રેરિત પેઈન્ટિંગ્સ તમને આંતરિક શાંતિનો અનુભવ કરાવશે. તેજલના કુદરતથી પ્રેરિત ચિત્રો વનસ્પતિ પ્રેમીઓનું મન મોહી લેશે. આ પ્રદર્શન 11 ડિસેમ્બર, 2018 સુધી તમામ લોકો માટે ખુલ્લું રહેશે.

ઉલ્લેખનીય છે કે, કળા એ કલાકાર દ્વારા રોજ-બ-રોજના જીવનની ઘટમાળના કરાતાં નિરીક્ષણની નીપજ છે. ગ્રામીણ જીવનના અદભુત રંગ હોય કે શહેરની વિલક્ષણતા, કુદરતના ખજાનાને મૂર્તિમંત કરવાનો હોય કે જીવનની અતિવ્યસ્તતા અને અનિશ્ચિતતામાં રહેલી સ્થિરતા, એક કલાકાર પોતાના કસબ વડે આ તમામ બાબતોને આબેહૂબ રજૂ કરે છે.