આ ટેક્નોલોજી અપનાવી પશુ ઉછેર કરતાં ખેડૂતો થશે માલામાલ

આણંદ-  નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગે બાયોટેકનોલોજીનાં સાધનોનો ઉપયોગ કરીને પશુપાલન મારફતે ખેડૂતોની આવક વધારવા અંગે ડો. કુરિયન ઓડિટોરિયમ, એનડીડીબી, આણંદ ખાતે વર્કશોપનું આયોજન કર્યું હતું.

એક દિવસના આવર્કશોપમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધનને અગ્રતા આપવા જેવાં વિષયો અંગે ચર્ચા યોજવામાં આવી હતી, જેથી પશુ ઉછેર કરતા ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઈ શકે.

એનડીડીબીના ચેરમેન દિલીપ રથે જણાવ્યું કે ” ભારતમાં પશુપાલનએ નોંધપાત્ર આર્થિક પ્રવૃત્તિ છે અને સરેરાશ 40 ટકા જેટલા ગ્રામ્ય પરિવારો ડેરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ગ્રામ્ય વિસ્તારના પરિવારોની કુલ આવકમાંથી 10 થી 12 ટકા જેટલી આવક પશુપાલનમાંથી પ્રાપ્ત થતી હોય છે. વસતિમાં ભારે વધારો અને પોષક આહારની વધતી માંગને કારણે ભારતમાં દૂધ અને એનિમલ પ્રોડકટસની માંગ સતત વધતી જાય છે. આથી આપણા ખેડૂતોએ બજારની માંગ મુજબ પશુપાલન મારફતે વાજબી ભાવની ગુણવત્તાયુક્ત  પ્રોડકટસ પૂરી પાડવી જરૂરી બની રહે છે. આથી બાયોટેક્નોલોજીના ઉપયોગથી તેમની આવકમાં ચોક્કસ પણે વધારો થશે.માત્ર પશુઓની સંખ્યા વધારતા રહીને ગુણવત્તા ધરાવતાદૂધ અને અન્ય ચીજોનું ઉત્પાદન કરવુ તે લાંબા ગાળા માટે સલાહકારક નથી, કારણ કે આને કારણે ખોરાક, ઘાસચારા અને અન્ય સ્ત્રોતો ઉપરના બોજમાં વધારો થાય છે. આથી એ બાબત ખૂબ જ આવશ્યક બની રહે છે કે દેશે સંવર્ધનની કાર્યક્ષમતામાં વધારો કરીને, રોગોના મેનેજમેન્ટમાં સુધારો કરીને તથા દૂધાળાં પશુઓની વૈજ્ઞાનિક આહાર પધ્ધતિ દ્વારા વિવિધ ચીજોની વધતી માંગ સંતોષવા ઉત્પાદકતા વધારવા તરફ ધ્યાન આપવાની જરૂર છે.

કેટલાંક વર્ષથી બાયોટેકનોલોજીનાં સાધનોનો ઉપયોગ ખાસ કરીને પશુપાલનમાં કૃત્રિમ વીર્યદાન દ્વારા પશુ સંવર્ધન, સિલેક્ટીવ બ્લીડીંગ, જીનોમિક સિલેક્શન, ગર્ભ તબદીલી વગેરે જેવી બાબતોમાં નોંધપાત્ર સફળતા મળી છે.