દાતારના આંગણે થશે ઉર્ષની ઉજવણી, અમૂલ્ય આભૂષણોની ચંદનવિધિ સાથે શરુઆત

જુનાગઢ : હિમાલયના પ્રપિતામહ એવા ગીરનારના માડીજાયા બંધુ સમાન અને સેંકડો વર્ષોથી સામાન્ય જનસમાજના હદયમાં સિંહાસન ઉપર હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની ટેકરી ઉપરસિદ્ધ અને સમર્થ સંત તરીકે દાતારબાપુ બિરાજે છે. જયાં પારંપરિક રીતે પ્રતિ વર્ષે ઉર્ષનો આગામી તા.૧૮ રવિવારથી પ્રારંભ થશે.

તા.૧8 ના રોજ રાત્રે ચંદનવિધિ,તા.૧૯ સોમવાર આરામનો દિવસ, તા.૨૦ને મંગળવારે મહેંદી દિપમાળા અને તા. ૨૧ બુધવારથી મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થશે. ઉર્ષના આ મહાપર્વમાં પ્રથમ દિવસે દાતારબાપુના અમબલ્ય આભૂષણોને વર્ષમાં એકવાર ગુફામાંથી બહાર કાઢીને ચંદન વિધિ કરવામાં આવે છે અને તે સમયે મોટી સંખ્યામાં આ આભૂષણોના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે.

આ પર્વ દરમિયાન પર્વતની ટેકરીઓ દિપમાળાથી ઝગમગી ઉઠે છે. ચાર  દિવસ ચાલનાર આ ધર્મોત્સવમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર ચા-પાણી ભોજનની વ્યવસ્થા કરાય છે. જુનાગઢ શહેરથી એકાદ કિ.મી. દુર વિલીંગ્ડન ડેમ નજીકથી દાતારની ટેકરી પર જવા માટે આશરે ૨૮૦૦ પગથીયા આવેલા છે.

આ પૌરાણીક જગ્યામાં વર્ષો પહેલાં દાતારબાપુએ સાધના કરી આ દિવ્ય જગ્યાને દિપાવી છે. દાતારબાપુ અને તેમના શિષ્ય કમાલશાબાપુ વિશે લોકવાયકા પ્રચલીત છે કે, આ જગતમાં ચાર જતી છે જેમાં લક્ષ્મણ જતી, હનુમાન જતી, ગોરખજતી અને જમન જતી. આ ચાર પૈકીના જમનજતી એ દાતારબાપુના શિષ્ય હતા અને તેમનું બીજુ નામ કમાલશાબાપુ હતું.

લોકકથા મુજબ દાતારબાપુએ પોતાના શિષ્ય જમનજતીને કહ્યું બેટા કયાંકથી અંગાર લઇ આવ, ગુરૂની આજ્ઞાથી જમનજતી અંગારની શોધ માટે જંગલમાં સિદ્ધોના ધુણા પાસે આવી સિદ્ધોને કહ્યું મારા ગુરૂદેવ માટે થોડો અંગાર આપો. સિદ્ધોએ કહ્યું કે આ રહ્યા અંગાર જોઇએ તેટલા લઇ લે, અને જમનજતીએ અંગારની સાથે સિદ્ધોની બધી જ શકિત પણ પોતાની સાથે લઇ લીધી. અંગાર લઇને સિદ્ધોની આજ્ઞા લઇ પરત જઇ રહેલા જમનજતીને કેટલાક સંતોએ ઇર્ષાવૃત પરત બોલાવી તેનો સંહાર કરી બધાજ સિદ્ધોએ પ્રસાદ રૂપે તેનું ભોજન કર્યું.

આ તરફ જમનજતીને અંગાર લઇને આવતા વાર લાગી એટલે દાતારબાપુ તેને શોધતા શોધતા ઉપરોકત સિદ્ધોના ધુણા ઉપર આવીને પૂછયું કે જમનજતી અંગાર માટે આવ્યો હતો તે કયાં ગયો? ત્યારે સિદ્ધોએ દાતારબાપુની મશ્કરી કરતા જણાવ્યું કે, શકિત હોય તો જાતે જ શોધી કાઢોને? ત્યારે દાતારબાપુએ અવાજ કર્યો ”બેટા જમનજતી કહા હો…” ત્યારે ગુરૂદેવનો અવાજ સાંભળી જવાબ દીધો, ”સબ કે પેટમે રતીરતી” અને ગુરૂજીએ આજ્ઞા કરી એક થઇ બહાર આવ. બહાર આવ્યા બાદ તેના શરીરમાં ચાર અવયવ ખુટતા હતા તે અવયવો જેમણે સંહારનો વિરોધ કર્યો હતો તે સિદ્ધોએ લાવી આપ્યા અને જમનજતી સજીવન થયા.આ ચાર સંતો એટલે કોયલાવજીર ક્રિપાનાથ, ભવનાથ અને ભૂતનાથ. ત્યારબાદ દાતારબાપુએ કોયલાવજીરને પોતાના વજીર તરીકે મુકયા. ભવનાથને ગીરનાર સોપ્યું અને ભૂતનાથને જુનાગઢ શહેર સોંપ્યું. આમ શ્રી દાતારબાપુ અને તેમના શિષ્ય જમનજતી વિશે લોકકથા પ્રચલીત છે.