ગિરનારમાં રશિયન મહિલાઓ પર લૂંટના ઈરાદે હુમલો, શિવરાત્રિમેળાની સુરક્ષા પર સવાલો

જૂનાગઢ– જૂનાગઢમાં એક તરફ મહાશિવરાત્રિના મીની કુંભ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગિરનાર પર્વત પર બે રશિયન મહિલાઓ પર ઘાતકી હુમલો કરી લૂંટનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે. ઘટનામાં ઘાયલ થયેલી એક વિદેશી યુવતીને જૂનાગઢ પોલીસે સારવાર અપાવી તેને રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાની બે મહિલાઓ ગત સોમવારે જૂનાગઢ ફરવા માટે આવી હતી. બંને મહિલાઓ ગિરનાર પર્વત પર ચડી રહી હતી, ત્યારે ગિરનારની પ્રથમ ટૂકમાળી પરબ પહેલાં 1500 પગથિયા પાસે ત્રણ શખ્સો ધસી આવ્યાં હતાં. આ ઈસમોએ રશિયન મહિલાઓ પાસે રહેલી બેગ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને મહિલાઓએ પ્રતિકાર કરતાં આ શખ્સોએ તેમની પાસે રહેલી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોતાના ઉપર અચાનક જ થયેલા આ હુમલાથી ભયભીત બંને વિદેશી મહિલાઓએ બૂમો પાડતાં આ ત્રણેય શખ્સો નાસી ગયાં હતાં.

હુમલામાં એક મહિલાને હાથના ભાગે ઈજા થવા પામી હતી. આ ઘટના અંગે બંને યુવતીઓએ ભવનાથ પોલીસ ચોકીમાં આવીને જાણ કરતાં અહીંના સ્ટાફ દ્વારા તાત્કાલિક એલસીબી અને એસપીને જાણ કરવામાં આવી હતી. બંને મહિલાઓએ પોલીસને આપેલા નિવેદનમાં ત્રણ હુમલાખોરો પૈકી એક શખ્સે કાળો અને બીજાએ લાલ રંગનો શર્ટ પહેર્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંનેનું નિવેદન નોંધી હુમલાખોરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. હુમલા બાદ જંગલમાં નાસી ગયેલા શખ્સોને ઝડપી લેવા જંગલખાતાના આરએફઓ ઝાલા સહિતના સ્ટાફે પણ પોલીસ સાથે તજવીજ હાથ ધરી છે.