યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ટીમ આવશે ગુજરાત મુલાકાતે

ગાંધીનગર– ગુજરાતની મુલાકાતે 20 ઓગસ્ટથી અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગવિભાગની એક ટીમ આવી રહી છે. આ મુલાકાત દરમિયાન ફાર્મા ક્ષેત્રે ટ્રેનિંગ, કેપેસીટી બિલ્ડિંગ, નોલેજ શેરિંગ જેવા વિષયો પર પરામર્શ કરશે.યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન  (U.S.F.D.A.) ના સાત અધિકારીઓની ટીમ સોમવારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવી રહી છે. જેમાં  કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર,ઓફિસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, F.D.A., ડૉ. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એફ.ડી.આઇ. ઇન્ડીયા ઓફીસ, થોમસ અરિસ્થા, ડેપ્યુટી ડાયરેક્ટર સહિત અન્ય ચાર સિનિયર અધિકારીઓ આ ડેલીગેશનમાં ભાગ લઇ રહ્યાં છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે.

આ  ડેલીગેશન રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર સહિત સંયુ્ક્ત કમિશનર, નાયબ કમિશનર તથા ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરાના સિનિયર અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને આ મુલાકાત દરમિયાન ફાર્મા ક્ષેત્રે ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ, નોલેજ શેરિંગ અને ઇન્ફરમેશન શેરિંગ જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા હાથ ધરશે.

ફાર્મા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે અને દવાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૩૩ ટકા જેટલો છે. દેશમાંથી થતી દવાના નિકાસમાં ૨૮ ટકા ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. હાલ ગુજરાતમાં આશરે ૧૧૭ જેટલા દવાના યુનિટો U.S.F.D.A. ની માન્યતા ધરાવે છે અને દવાની નિકાસ અમેરિકામાં મોટા પાયે કરે છે, રાજ્યની ફાર્મા ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ધ્યાને લઇ રાજયમાં આવેલા દવાના યુનિટો ઉપર નિયંત્રણ કરનાર ખોરાક અને નિયમન તંત્ર અને તેની પ્રયોગશાળાની મુલાકાત લઇ, માહિતીનું  આદાન-પ્રદાન થશે જેના લીધે રાજ્યમાં બનતી અને વિતરણ થતી દવાની ગુણવત્તા ઉપર નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનશે અને દવાની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થશે તેમજ રાજ્યના અને દેશના નાગરિકોને વધુ સારી ગુણવત્તાવાળી દવા ઉપલબ્ધ થશે.