Know India Programme અંતર્ગત ૯ દેશોના ૪૦ યંગસ્ટર્સ ગુજરાતના પ્રવાસે

0
1867

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ Know India Programme અંતર્ગત ભારત-ગુજરાત ભ્રમણ માટે આવેલા ૯ દેશોના ૪૦ જેટલા યુવાઓને ‘‘કનેકટ ટુ ઇન્ડીયા’’નું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિવિધતામાં એકતાની સાંસ્કૃતિક ધરોહર અને ધાર્મિક વૈજ્ઞાનિક પરંપરાના સમન્વયથી ભારતે જ્ઞાનની આ સદીમાં યુવા વર્કફોર્સ અને વર્લ્ડ માર્કેટમાં મોટું યોગદાન આપ્યું છે તેની વ્યાપકતાનો લાભ આ વર્લ્ડ યુથ લે તે સમયોચિત છે.

મુખ્યપ્રધાનની મુલાકાતે આવેલા આ ૯ દેશોના ૪૦ યુવાઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયની ‘નો ઇન્ડીયા પ્રોગ્રામ’ યોજના અન્વયે ગુજરાતના ૧૦ દિવસીય પ્રવાસે આવેલા છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ યુવાશકિત સાથે રસપ્રદ સંવાદ તેમના નિવાસસ્થાને કર્યો હતો. તેમણે કહ્યું કે, યુવાનો હવે હરેક ક્ષેત્રે નેતૃત્વ ક્ષમતાથી આગળ આવી રહ્યા છે અને પોતાના જ્ઞાન કૌશલ્યથી પ્રભાવ ઊભો કરી રહ્યા છે ત્યારે ભારત જેવા વિશાળ જનસંખ્યા ધરાવતા વિકસીત રાષ્ટ્ર માટે પણ આ યુથ પાવર પોતીકાપણું દર્શાવી વિકાસને વધુ ઉન્નત બનાવવા યોગદાન આપે.

મુખ્યપ્રધાને આ યુવાનોને પ્રરેણા આપતાં જણાવ્યું કે, વિશ્વના નાના રાષ્ટ્રોમાં વિકાસ ઝડપી થાય છે કેમ કે તેમણે બહુધા સમસ્યાઓ હોતી નથી પરંતુ ભારત જેવા મોટા રાષ્ટ્રે સમસ્યાઓ બાવજૂદ પણ વિકાસની ઊડાન ભરી છે તે આ યુવાનોએ તેમની મુલાકાતમાં અનુભવ્યું જ હશે.

મુખ્યપ્રધાને કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિચારોથી પ્રેરિત મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણાવતાં કહ્યું કે, ભવિષ્યની તાકાત સમાન ભારત દેશની ધરોહર, સંસ્કૃતિ, માનવતાના પાઠ બધું જ વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરવા આ યુવાશકિત પોતાના દેશમાં વસતા ભારતીય મૂળના લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના સંવાહક બને તે આપણો ધ્યેય છે.મુખ્યપ્રધાને આ યુવાનોને ભારત આવતા પહેલાં તેમના મનમાં ભારતની છબિ-છાપ હતી તે અને આવ્યા બાદ જે અનુભવ્યું જોયુ તેનું મુકત મને વર્ણન કરવા અનુરોધ કર્યો હતો.

આ અંગે ફિઝી, મ્યાનમાર, ગુઆના, મોરેશિયસ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા જેવા રાષ્ટ્રોના યુવા-યુવતિઓએ પોતાના પ્રતિભાવ આપતાં ગુજરાત – ભારતમાં પોતીકાપણું અને ઘર જેવું વાતાવરણ, આતિથ્ય ભાવ મહેસૂસ થાય છે તેનો આનંદ દર્શાવ્યો હતો.