ઉદ્યોગ ઉદયઃ નાના ધંધાર્થીઓને માટે રોકડ સહાય યોજનાઓ…

ગાંધીનગર- એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને વિવિધ યોજના હેઠળ સહાય આપીને આર્થિક રીતે વધુ પગભર બનાવવા માટે ભારતરત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં એમ.એસ.એમ.ઇ. કક્ષાના ઉદ્યોગકારોને વિવિધ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. તેમાં રુપિયા 50 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે.

આ રીતે અપાય છે સહાય

આર.બી.આઇ. દ્વારા માન્ય નાણાકીય સંસ્થા કે બેન્ક પાસેથી ધિરાણ (ટર્મલોન) મેળવ્યુ હોય તેવા ઉત્પાદન કરતાં એમ.એસ.એમ.ઇ. એકમોને કેપિટલ સહાય યોજના હેઠળ રોકડ સહાય મળવા પાત્ર થાય છે. જેમાં મહાનગરપાલિકા વિસ્તાર માટે પ્લાન્ટ અને મશિનરીમાં રૂ.૫૦ લાખ થી રૂ.૧૦ કરોડ સુધીનું મુડી રોકાણ ધરાવતા એકમોને ૧૦ ટકાથી ૨૦ ટકાના ધોરણે મહત્તમ રૂ.૨૫ લાખ તેમજ મહાનગરપાલિકા સિવાયના વિસ્તાર માટે ૧૫ થી ૨૫ ટકાના ધોરણે મહત્તમ રૂ.૩૫ લાખની રોકડ સહાય, વ્યાજ સહાય યોજના અંતર્ગત મેન્યુફેકચરીંગ એકમોને મહાનગરપાલિકા વિસ્તાર માટે વ્યાજ સહાય છ ટકા લેખે પ્રતિવર્ષ પાંચ વર્ષ સુધી રૂ. ૨૫ લાખ, યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વધારાની એક ટકા લેખે મહત્તમ ૭ ટકા વ્યાજ સહાય જ્યારે મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તાર માટે વ્યાજ સહાય આઠ ટકા લેખે પ્રતિ વર્ષ પાંચ વર્ષ સુધી રૂ. ૩૦ લાખ અને યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વધારાની એક ટકા લેખે મહત્તમ ૯ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સર્વિસ એમ.એસ.એમ.ઇ. એકમોને છ ટકા વ્યાજ સહાય પ્રતિવર્ષ પાંચ વર્ષ સુધી રૂ. ૨૫ લાખ સુધીની મર્યાદામાં આપવામાં આવે છે.

ગુણવત્તા સહાય યોજના અંતર્ગત એન્ટરપ્રાઇઝ સીસોર્સ પ્લાનિંગ (ઇ.આર.પી.) સિસ્ટમ હેઠળ પ્લાન્ટ અને મશિનરીમાં રૂ.૫૦ લાખ થી રૂ. ૧૦ કરોડ સુધીનું મુડી રોકાણ ધરાવતા એકમોને ઇ.આર.પી. સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા કરેલ ખર્ચના ૫૦ ટકાથી ૭૫ ટકા લેખે મહત્તમ રૂ.૧ લાખની સહાય તેમજ ઇફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી(આઇ.સી.ટી.) હેઠળ પ્લાન્ટ અને મશીનરીમાં ૫૦ લાખથી રૂ.૧૦ કરોડ સુધીનું મુડી રોકાણ  ધરાવતા એકમોને ICT માટે કરેલ ખર્ચના ૫૦ ટકાથી ૭૫ ટકા લેખે મહત્તમ રૂા.૫ લાખની સહાય આપવામાં આવે છે.

ટેકનોલોજી એક્વીઝેશન માટે પ્લાન્ટ અને મશીનરીમાં રૂા.૫૦ લાખથી રૂા.૧૦ કરોડ સુધીનું મુડી રોકાણ ધરાવતા એકમોને કરેલ કુલ ખર્ચના ૫૦ ટકાથી ૭૫ ટકા લેખે મહત્તમ રૂા.૫૦ લાખની સહાય ઉપરાંત એટલું જ રોકાણ ધરાવતાં SME એકમોને SME એક્સચેન્જ મારફત કેપીટલ વધારવા કુલ ખર્ચના ૨૦ થી ૩૦ ટકા લેખે રૂા.૫ લાખની મર્યાદામાં સહાય કરવામાં આવે છે. એ જ રીતે વીજળી જોડાણ માટે પાત્રતા ધરાવતા રૂા.૫૦ લાખથી રૂા.૧૦ કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમોને LT/HT સર્વિસ લાઇન માટે ડિસ્ટ્રીબ્યુશન લાઇસન્સને ચુકવાતા ચાર્જીસ માટે કરેલા ખર્ચના ૨૫ ટકાથી ૬૦ ટકા લેખે મહત્તમ રૂા.૫ લાખની સહાય અપાય છે.

આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે GIDC અને ઇન્ડસ્ટ્રીયલ સિવાયનાં વિસ્તારોમાં પાણી, ગેસ અને એપ્રોચ રોડ, બનાવવા માટે કરેલ ખર્ચના ૭૫ ટકા લેખે મહત્તમ રૂા.૧૫ લાખ, માઇક્રો અને સ્મોલ એકમોને GIDC માં ડેવલપ કરેલ પ્લોટ ઉપર તેમજ મલ્ટીસ્ટોરેડ રોડ ઉપર એલોટમેન્ટ કિંમત ઉપર ૭૦ ટકા સહાય આપવામાં આવે છે. ઉપરાંત MSE માટે પ્રાઇવેટ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલ પ્લોટ ઉપર પ્રાઇવેટ ડેવલપરને જમીન, બિલ્ડીંગ અને અન્ય માળખાગત સુવિધા ઉભી કરવા માટે કરેલ ખર્ચના ૭૦ ટકાની સહાય કરવામાં આવે છે.

ભાડા સહાય યોજના હેઠળ પાત્રતા ધરાવતા નવા માઇક્રો અને સ્મોલ (MSE) એકમો જે પ્લાન્ટ અને મશીનરીમાં રૂા.૫૦ લાખથી રૂા.૧૦ કરોડ સુધીનું મુડીરોકાણ ધરાવતા હોય તેમને યોજનાના સમયગાળામાં પાંચ વખત રેન્ટ સહાય ૫૫ ટકાથી ૬૫ ટકા અથવા વાર્ષિક રૂા.૧ લાખ આપવામાં આવે છે.આ ઉપરાંત માર્કેટ ડેવલપમેન્ટ માટે નેશનલ ઇન્ટરનેશનલ તેમ જ રાજ્યમાં યોજાયેલ એક્ઝિબિશન-ટ્રેડ ફેરમાં ભાગ લીધો હોય તેવા મેન્યુફેક્ચરીંગ MSME એકમોને કરેલ ખર્ચના ૭૦ ટકા લેખે યોજનાના સમયગાળા દરમિયાન ૫ વાર મહત્તમ રૂા.૪ લાખ સહાય મળવાપાત્ર છે, જેનો સંબંધિતોએ મહત્તમ લાભ લેવા MSME કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.