રાષ્ટ્રપ્રેમઃ આતંકવાદ સામે ઉગ્ર વિરોધ, શહીદોને અશ્ર્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ અપાઇ

અમદાવાદઃ સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ આખું વિશ્વ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં પાકિસ્તાનના આ નાપાક કૃત્ય સામે રોષ છે. ત્યારે રાજ્યના ખેડા જિલ્લાના કઠલાલ પાસેના ભાનેર ગામ સહિત નાનામોટાં શહેર અને ગામડાંમાં શહીદોને વિવિધ સ્વરુપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ભાનેર ગામના યુવાનો પણ સૈન્યમાં છે. જેથી અહીંયાના લોકોને સેના પ્રત્યેની વિશેષ લાગણીઓ અને આત્મીયતા છે, ત્યારે ભાનેર ગામના તમામ લોકોએ એકત્ર થઈને આર્મી ફંડમાં યથાશક્તિ ફાળો આપ્યો અને સાથે જ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નાપાક. કૃત્યનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરીને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

તમામ ધર્મ, જાતિ, પ્રદેશના લોકોએ પોસ્ટર્સ, બેનર્સ અને કેટલીક જગ્યાએ મીણબત્તીઓ સાથે વીર જવાનોને યાદ કર્યા. અમદાવાદ શહેરની પોળો, સોસાયટીઓ તેમજ કેટલાક વિસ્તારોના ચાર રસ્તા પર શહીદોને યાદ કરી બેનર્સ લગાડવામાં આવ્યાં. શહેરના મણીનગર વિસ્તારમાં ઠેર ઠેર મીણબત્તી સાથે રેલીઓ નું આયોજન કરાયું, સાથે મંગલેશ્વર મહાદેવ ખાતે એક વિશિષ્ટ આરતી કરવામાં આવી. તો આ સાથે જ સરકાર સાથે જોડાયેલા વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ એકત્ર થઈને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

મણીનગર ઇસ્ટના તમામ ચર્ચો દ્વારા એકઠાં થઇ રેલીઓનું આયોજન કરાયું. કેન્ડલ, રાષ્ટ્રધ્વજ અને વાહનો સાથે સ્વયંભૂ નીકળેલી રેલીમાં બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ સિનિયર સિટિઝન્સ મોટી સંખ્યામાં જોડાયાં.

પુલવામાંના શહીદોને યાદ કરી અવિરત શ્રદ્ધાંજલિ કાર્યક્રમો સતત થઈ રહ્યાં છે., સમાજના જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એકઠાં થઇ આતંકવાદની આવી ઘટનાઓને વખોડી રહ્યાં છે. સાથે શહીદોના સન્માન થાય, દેશના જવાનોને આસુરી તત્વો સામે લડવા પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો યોજી રહ્યાં છે.

વડોદરા અને અમદાવાદમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતાં શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યોએ પણ શહીદોના માનમાં વિશેષ શાંતિપ્રાર્થના, મૃત્યુંજય મહામત્રના જાપ, કેન્ડલ શ્રદ્ધાંજલિ સહિતની પ્રવૃત્તિઓ શહીદોના ક્લ્યાણ અર્થે અને શહીદોના પરિવારજનોને દુઃખદ ઘડીમાં સાંત્વના પાઠવવાની પ્રાર્થના સાથે કરવામાં આવ્યાં હતાં.શહીદોની શહાદતને મૌન શ્રદ્ધાંજલિ સાથે અનેક માતાઓ-બહેનોની આંખોમાં અશ્રુઓ જોવા મળ્યાં હતાં. હિંસામાં હોમાયેલાં દેશના વીર જવાનોના આત્માની શાંતિ માટે વડોદરામાં પણ ઠેકઠેકાણે સ્વયંભૂપણે લોકો વિવિધ સ્થળોએ યોજાયેલ શ્રદ્ધાંજલિસભામાં જોડાયાં હતાં.જવાનોની શહાદતને વીરતાભરી અંજલિ પાઠવવા જયહિન્દ સ્વરુપે કેન્ડલ જલાવાઈ હતી.દેશની સેનાનું મનોબળ દ્રઢ થાય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં જેમાં નાનાબાળકો પણ વીર જવાનો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગમગીન હૈંયે સાથ આપી રહ્યાં હતાં.  

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)