શાળાઓમાં બાળકો વાહન લઈને જશે તો શાળાના સંચાલકને થશે દંડ

અમદાવાદઃ ગુજરાત રોડ સેફ્ટિ ઓથોરિટી એક્ટ 2018 અંતર્ગત અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરની શાળાના સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી શરુ કરી છે. આ અંતર્ગત હવેથી અમદાવાદની શાળાઓમાં બાળકો વાહન લઈને જશે તો શાળાના સંચાલક પાસેથી રુપિયા 500 થી 25,000 હજાર સુધીનો દંડ ટ્રાફિક પોલીસ દ્વારા વસુલવામાં આવશે. આ સંદર્ભે શહેરની મોટાભાગની તમામ શાળાઓમાં નોટિસ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

(પ્રતિકાત્મક તસવીર)

મહત્વનું છે કે શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ માટે આવતા સગીર વિદ્યાર્થી વાહન ચલાવી શકે નહીં તેવો નિયમ રોડ સેફ્ટિ એકટમાં છે. આ નિયમનું ઉલ્લંઘન થશે તો સંચાલકની જવાબદારી રહેશે અને નિયમનો ભંગ કરવા બદલ અને પોલીસના હુકમનુ પાલન થાય નહીં ત્યાં સુધી પ્રતિ દિવસ રૂા.500 દંડ કરાશે. વધુમાં વધુ રૂા.25 હજારની મર્યાદામાં આ દંડ કરવામાં આવશે.

ત્યારે આ મામલે ટ્રાફિક વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી શહેરની તમામ શાળાઓની યાદી મંગાવીને તેના આધારે તમામને નોટિસ પાઠવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ફેબ્રુઆરીથી રોડ સેફ્ટિ એકટની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારબાદ આ પ્રથમ વખત વિદ્યાર્થીઓ નિયમનો ભંગ કરે તો સ્કૂલ સંચાલકોને દંડ ભોગવવાનો વારો આવશે. જો કે, નિયમ ભંગની નોટિસ પછી સ્કૂલ સંચાલક પોતાનો પક્ષ પણ પોલીસ સમક્ષ રજૂ કરી શકશે. આ પછી દંડ વસૂલ કરાશે.

રોડ સેફ્ટિ ઓથોરિટી એક્ટ મુજબ સ્કૂલ સંચાલોકને દંડ કરવાની સત્તા પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓને આપી છે. આ અધિકારીઓ નોટિસ આપી શકશે. વિદ્યાર્થી સ્કૂલમાં વાહન લાવે છે કે નહીં તે અંગેની પણ ડ્રાઈવ નજીકના દિવસોમાં શરૂ કરાશે. અગાઉ સ્કૂલોને પાર્કિંગ માટે નોટિસ પાઠવાઈ હતી.

રોડ સેફ્ટિ ઓથોરિટી એક્ટ 2018ની કલમ 17 મુજબ પોલીસ કમિશનર અને રોડ સેફ્ટિ કમિટીના અધ્યક્ષને આપવામાં આવેલી સત્તા મુજબ કોઈપણ વિદ્યાર્થી નિયમોનું ઉલ્લંઘન કરે તો સ્કૂલ સંચાલકની જવાબદારી બને છે. જેથી નિયમનો ભંગ કરવા બદલ અને રોડ સેફ્ટિના નિયમનું પાલન ન થાય ત્યાં સુધી દંડ વસૂલ કરાશે.