અમદાવાદઃ તંત્ર દ્વારા શહેરના 4 વિસ્તારમાં કાર્યવાહી

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક અને દબાણોને લઈને કોર્પોરેશન અને પોલિસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને કામગીરી કરવામાં આવી રહી છે. ખોટી રીતે કરાયેલા દબાણો, નો પાર્કિંગ ઝોનમાં અને રોડ પર ગમે ત્યાં પાર્ક કરવામાં આવેલા વાહનોને લઈને દંડાત્મક અને ચોક્કસ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. રસ્તા પર આડેધડ કરાયેલા દબાણોને દૂર કરવા માટે એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં શહેરના લો-ગાર્ડન, ચાંદલોડીયા, વાડજ, અખબારનગર, બાપુનગર, રખીયાલ,અને નારોલ સહિતના શહેરના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક અને દબાણને લઈને કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આ ઝૂંબેશ અંતર્ગત કોર્પોરેશન અને પોલિસ તંત્ર દ્વારા આજે અમદાવાદ શહેરમાં 4 ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના લાલ દરવાજા, મેઘાણીનગર, દાણીલીમડા અને સરખેજ સહિતના 4 જેટલા વિસ્તારોમાં ટ્રાફિક અને આડેધડ કરાયેલા દબાણો અંગે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કાર્યવાહી દરમિયાન ખોટી રીતે ખડકી દેવાયેલા બાંધકામો પર તવાઈ બોલાવાશે તેમજ નો પાર્કિંગ ઝોનમાં અને રસ્તા પર મનફાવે તેમ પાર્ક કરાયેલા વાહનોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. અને રસ્તાઓ ખુલ્લા કરી ટ્રાફિક હળવો થઈ શકે તે માટે કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવશે. અત્યારે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં કોર્પોરેશન અંને પોલીસ દ્વારા કડક કાર્યવાહી આરંભી દેવાઈ છે. રસ્તા પર ના દબાણો અને ગેરકાયદેસર વિહિકલ પાર્ક કરનારા સામે કાર્યવાહી કરાશે.

તંત્ર દ્વારા યોજવામાં આવેલી આ ટ્રાફિક ડ્રાઈવમાં 6 ડીસીપી, 8 એસીપી, 250 જેટલા પોલીસ કર્મચારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ જોડાયો છે.