ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આજે મળશે. આ સામાન્ય સભામાં મહત્વના અનેક પ્રસ્તાવો રજૂ કરવામાં આવશે અને તેના પર ચર્ચા કરવામાં આવ્યા બાદ તે અંગે નિર્ણય લેવામાં આવશે. જે પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે તેમાં સૌથી મહત્વના પ્રસ્તાવોમાં ધો.10માં ગણીતની બે લેવલની પરીક્ષાનો પ્રસ્તાવ છે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગણિતની બે લેવલની પરીક્ષા અંગે નિર્ણય લીધા બાદ ગુજરાતમાં પણ આ સિસ્ટમ અમલમાં આવે તે માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

તો આ ઉપરાંત ધોરણ 9 અને 10 ના શારીરિક શિક્ષણ વિષયમાં સુધારો કરી કયા રોગમાં કઈ દવા લઈ શકાય તેની પ્રાથમિક સારવારની વિગતો ઉમેરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારના રોજ ગાંધિનગર શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળશે. આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેનાર વિવિધ સભ્યો પૈકી અમૂક સભ્યોએ પ્રસ્તાવ રજૂ કર્યા છે. આમાં પણ ઘણા પ્રસ્તાવો ખૂબ મહત્વના હોઈ બોર્ડની આગામી સામાન્ય સભા પર બધાની નજર રહેશે. આ સામાન્ય સભામાં બોર્ડના સભ્ય શૈલેષ પંચોલીએ એક મહત્વનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ધો.10 ના ગણિત વિષયની બે લેવલની પરીક્ષા લેવા માટે તેમણે પ્રસ્તાવ મૂક્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષાથી ગણિત વિષયના પ્રશ્નપત્રો બે લેવલમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને બીજુ મેથેમેટિક્સ બેઝિકના પ્રશ્નપત્રો પૂછાશે. આ જ રીતે ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા પણ ધો.10 માં બોર્ડની ગણિત વિષયની પરીક્ષામાં બે લેવલના પ્રશ્નપત્રો માર્ચ 2020 ની પરીક્ષાથી લેવામાં આવે અને તેના માટે જૂન 2019 ના શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમ, આંતરિક પરીક્ષાઓ લેવા અને તે માટે જરુરી વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવાયું છે.

આ ઉપરાંત બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે બે પ્રસ્તાવ રજૂ કર્યા છે. જેમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયમાં સુધારો કરીને કયા રોગમાં કઈ દવા લઈ શકાય તેની પ્રાથમિક સારવારની વિગત ઉમેરવા અંગેનો પ્રસ્તાવ મૂકાયો છે. ઉપરાંત બીજો પ્રસ્તાવ તેમણે સ્પોર્ટ્સ ટ્રેનિંગ હાઈસ્કૂલ શરુ કરવા અંગેનો રજૂ કર્યો છે. જેમાં અભ્યાસમાં નબળા હોય પરંતુ સ્પોર્ટ્સમાં અગ્રેસર વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને તેમને રાષ્ટ્રીય ફલક પર નામના મેળવવા માટેની તક અપાય તે માટે આ પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ ઉપરાંત અન્ય પણ મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે.