હાર્દિક પટેલના બિનશરતી પારણાં, નિતીન પટેલે કહ્યું મોડેમોડે પણ સારો નિર્ણય

અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલે પોતાની અમાનત માગણીને લઇને આદરેલાં અનશનનો બિનશરતી ત્યાગ કરતાં પારણાં કરી લીધાં છે. હાર્દિકે પાણી ભલે શરદ યાદવના હાથે પીધું પણ અનશનનું પારણું ખોડલધામના નરેશ પટેલના હાથે કરી પાટીદાર સંસ્થાઓને મનાવી લીધી છે.બપોરે સવાત્રણે હાર્દિકે લીંબુ શરબત અને નાળિયેર પાણી પીને ઉપવાસનો અંત આણ્યો છે.હાર્દિકને પારણાં કરાવવાના સમયે ઉપવાસી છાવણીમાં તમામ સંસ્થાના આગેવાનોએ હાર્દિકની બાજુમાં ઉપવાસમંચ પર સ્થાન લીધું હતું. જેમાં સીકે પટેલ જેમને હાર્દિકે ભાજપના એજન્ટ કહ્યાં હતાં તેઓ પણ બાજુમાં બેઠાં હતાં અને બીજી તરફ નરેશ પટેલ હાજર હતાં. તેમ જ જેમના હાથે હાર્દિકે પહેલીવાર પાણી પીધું હતું તેવા સ્વામીનારાયણ સંસ્થાના એસપી સ્વામી પણ આવી પહોંચ્યાં હતાં.ઉપવાસના પારણાં કરાવતાં પહેલાં પાસના મનોજ પનારાએ ઉપસ્થિતો સંબોધન કર્યું હતું. પાટીદાર અગ્રણીઓએ પણ મંચ પરથી વિવિધ નિવેદનો કર્યાં હતાં. હાર્દિકના ઉપવાસ પૂરા થતાં જ હવે હાર્દિક દ્વારા અલ્પેશ કથીરીયાની જેલમુક્તિનો મુદ્દો આગળ કરવામાં આવ્યો છે.

19 દિવસથી ઉપવાસ પર બેઠેલ હાર્દિક પારણાં કરશે તે આજે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. પાસના કન્વીનર  મનોજ પનારાએ આજે એક પત્રકાર પરિષદ કરીને હાર્દિકના ઉપવાસ છોડવા અંગે માહિતી આપી હતી. આજે બપોરે ત્રણ વાગે સમાજના વડીલો, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, કાર્યકરોના કહેવાથી આજે પારણાં થશે.

પ્રેસ કોન્ફરન્સમાં પાસ નેતા મનોજ પનારાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકાર હિટલરશાહી અને તાનાશાહી સરકાર છે. ગાંધીજી  અને સરદાર પટેલ જેવા મહાન વ્યક્તિત્વોએ અનેકવાર આંદોલનો કર્યા અને તેમને સફળતા પણ મળી. પરંતુ જે જનજાગૃતિ ઉભી થઇ છે જે ચાર કરોડ ખેડૂતો જાગૃત થયા છે એના કારણે આજે સરકારે માંગણી સ્વિકારી નથી. આગામી દિવસોમાં હાર્દિક પટેલના ઉપવાસના કારણે માનવી પડશે. લોકો પ્રશ્નો પૂછતા થઇ ગયા કે પાટીદારોને અનામત ક્યારે આવશે.

હાર્દિકે પારણાં પછી કર્યું ભાષણ….

–     પાટીદાર સમાજને અનામત આપો, ખેડૂતોની દેવામાફી અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિ
–     2 મહિનાથી મંજૂરી માગવા છતાય ઉપવાસ માટે મંજૂરી ન મળી, છેલ્લે ઘેર બેસવું પડ્યું
–     ઉપવાસના 19 દિવસ બાદ સમાજની સંસ્થાઓ અને વડીલોની વિનંતી બાદ પારણા કર્યા
–     અમને એ વાતનું ગૌરવ છે કે સમાજમાં નાનામોટાની ઉભી થયેલી ખાઈ પૂરવાનું કામ આપણે કર્યું
–     લડાઈમાં ઘણા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો કેટલાકે ક્રાંતિકારીઓની
–     અમારી લડાઈ આલીશાન બંગલા કે મકાનમાં રહેતાં લોકો માટે નથી પરંતુ ખેતીકામ કરતાં અને ઓછા પગારમાં નોકરી કરતા લોકો માટે છે.
–     અમારી લડાઈમાં સમાજના વડીલો સાથ અને સહકાર આપે તે નમ્ર વિનંતી
–     સમાજના વડીલોના અમે વિરોધી નથી
–     અધિકાર વગર જીવવું અશક્ય છે
–     ઘોડો છું થાકી જઉં તેમ નથી.
–     આજે વડીલોના હાથે પાણી પીવું મને ગમ્યું
–     મૂંગા રહેવા કરતાં દેશદ્રોહી થવું સારું
–     સરકાર નહી સાંભળે તો તેને સમાજની જરુર નથી
–     મૂળ મુદ્દો સમાજના નિર્માણનો છે.
–     ઝૂંકીશ તો સમાજ સામે સરકાર સામે નહીં
–     ઉપવાસના પારણા ફક્ત વડીલો અને સમાજના માન અને સન્માન માટે જ કર્યા છે
–     મારામાં વધુ હિંમત આવી કે સમાજના વડીલો મારી સાથે છે
–     હાર્દિકે મીડિયા, વડીલો અને પાટીદારો સહિત સહુ કોઈનો આભાર માન્યો

 

આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતા મનોજ પનારાએ જણાવ્યું કે અલ્પેશ કથેરિયાને જેલમુક્ત નહી કરવામાં આવે તો સૂરતથી આવતીકાલે મોરબીથી ટંકારા સુધી યાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત, પાલનપુર, ઉત્તર ગુજરાતથી યાત્રા કાઢવામાં આવશે. હાર્દિકનું સ્વાસ્થ્ય સારું થઇ જશે ત્યાર બાદ તે દરેક કાર્યક્રમમાં હાજર રહેશે.

હાર્દિક પારણાં કરવાના સમાચારને લઈને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે મોડો મોડો પણ હાર્દિકનો નિર્ણય સારો છે. આ પહેલાં પણ પાટીદાર અગ્રણીઓ અને નરેશ પટેલ અને સરકાર તરફથી તેને પારણાં કરી લેવા વિનંતી કરવામાં આવી હતી. જોકે આજે તે બિનશરતી પારણાં કરી રહ્યો છે તે સારી વાત છે.હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના પહેલા દિવસથી જ હાર્દિક પટેલને કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. હાર્દિક પટેલના 19 દિવસના ઉપવાસ દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ, પાટીદાર સમાજના આગેવાનો સહિત અન્ય કેટલીક પાર્ટીના નેતાઓ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત,તો ભાજપના શત્રુઘ્ન સિંહા અને યશવંતસિંહા સહિતના અનેક રાષ્ટ્રીય નેતાઓએ હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. તો આ સિવાય હાર્દિક પટેલે જ્યારે જળત્યાગ કર્યો ત્યારે પી.પી. સ્વામીએ હાર્દિક પટેલને જળગ્રહણ કરાવ્યું હતું. જ્યારે ફરીવાર જળત્યાગ કર્યો ત્યારે શરદ યાદવે જળગ્રહણ કરાવ્યું હતું.