બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન હાથ ધરવા શેર્ડ લેબ સુવિધા ઉભી કરવાનો નિર્ણય

ગાંધીનગર- ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં બાયોટેકનોલોજી સંલગ્ન સંશોધન હાથ ધરવા માટે જીનોમિક્સ, મોલેક્યુલર બાયોલોજી, બાયોપ્રોસ્પેક્ટીંગ અને બાયોઇન્ફોર્મેટિક્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યમાં સંશોધકોને મહત્તમ લાભ આપવા સરકારે જીબીઆરસીની સંશોધન સુવિધાનો ઉપયોગ સ્ટેટ-ઓફ-આર્ટ શેર્ડ લેબ ફેસીલીટી તરીકે કરવાનો નિર્ણય કર્યો છે.

આ સુવિધાઓનો મહત્તમ લાભ પીએચ.ડી. વિદ્યાર્થીઓ, પોસ્ટ-ડૉક્સ, શિક્ષણવિદો, સંશોધકો તેમજ સ્ટાર્ટ-અપ્સ લઇ શકશે. શેર્ડ લેબ સુવિધાઓના ઉપયોગ માટે વિગતવાર માર્ગદર્શિકા જીબીઆરસીની વેબસાઇટ httpss://gbrc.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધનને વેગ આપવા વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર નામની સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા રાજ્યની પ્રાદેશિક સમસ્યાઓ માટે બાયોટેકનોલોજી આધારિત ઉકેલ લાવવા તરફ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહયોગ વિકસાવવા પ્રયાસ કરવામાં આવે છે. આ શેર્ડ લેબ બાયોટેક્નોલોજીના ક્ષેત્રના લાભાર્થી માટે એક ગતિશીલ અને સહયોગી ઇકોસિસ્ટમ બનાવવા મદદરૂપ થશે તેમજ રાજ્યના બાયોટેકનોલોજી સેક્ટરને વેગ આપશે.