સ્વિટ્ઝરલેન્ડના આ માણસને અમદાવાદ ગમી ગયું…..

અમદાવાદ-આપણાં દેશમાં માણસ બે પાંદડે થાય અને દુનિયામાં ફરવા જવાની વાત આવે કે લગ્ન પછી હનીમૂનની વાત આવે એટલે સુંદર દેશ સ્વિટ્ઝરલેન્ડની યાદ તરત જ યાદ આવે. સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવાના આયોજનો થાય અને સુંદર જગ્યાની અફલાતુન તસવીરો લેવાના વિચારો આવવા માંડે. પણ ધરતીના સ્વર્ગ સ્વિટ્ઝરલેન્ડનો માણસ એમ કહે કે અમદાવાદની આ પોળો મને બહુ જ ગમે છે ત્યારે…સૌને આશ્ચર્ય થાય.ભણીગણી ધંધાર્થે વારંવાર દેશવિદેશમાં પ્રવાસ કરી ચૂકેલા ઝૂરિક સ્વિટ્ઝરલેન્ડના નાગરિક એન્ડરીએસ હિટઝિગની તસવીરોનું પ્રદર્શન હાલ અમદાવાદમાં આવેલી સત્ય આર્ટ ગેલરીમાં મુકવામાં આવ્યું છે.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી ચૂકેલા ઐતિહાસિક અમદાવાદ પર અસંખ્ય લેખ લખાઇ ચૂક્યાં છે, ચિત્ર-તસવીરી પ્રદર્શનો પણ થઇ ચૂક્યાં છે. પરંતુ એક સ્વિટ્ઝરલેન્ડના બિઝનસમેનને અમદાવાદ કંઇક આગવું જ લાગ્યું. 16 કરતાં વધારે વખત આ શહેરની મુલાકાત લઇ જુદાજુદા સ્થળની મુલાકાત પણ લીધી છે. એન્ડ્રીએસના સત્યા આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા તસવીરના પ્રદર્શનમાં અમદાવાદની તસવીરો પણ મૂકવામાં આવી છે. એન્ડ્રીએસને અમદાવાદની પોળોની જીવનશૈલી ખૂબ જ ગમી ગઇ છે. તસવીર–અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ