જમીન પડતરના કેસો માટે લેવાશે આ પગલાં…

ગાંધીનગર- ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ (GRT) અને SSRD માં જમીનના પડતર કેસોના ભરાવાનો નિવેડો લાવવા કેટલાંક પગલાં લેવાવાની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે આ માટે ડિજિટલાઇઝેશનનો ઉપાય કરવામાં આવી રહ્યો છે.

ફાઈલ ચિત્ર

જમીનની કીમતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અસાધારણ રીતે તીવ્ર ઉછાળો આવેલ છે. જેના કારણે દિનપ્રતિદિન જમીન મહેસૂલને લગતા કેસોનું પ્રમાણ પણ વધતું ગયું છે. જેમાં, ખાનગી પક્ષકારો વચ્ચેના તથા ખાનગી પક્ષકાર અને સરકાર સામેના કેસોની અપીલો GRT અને SSRD સમક્ષ કરવાની થતી હોય છે. જેની સમીક્ષા બેઠક મહેસૂલ પ્રધાનની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ બેઠકમાં ખાસ સચિવ (વિવાદ)ની કોર્ટમાં કેસોનો ભરાવો ન થાય કે લાબાં સમય સુધી પડતર ન રહે તે માટે નામદાર હાઈકોર્ટમાં જે રીતે કેસો દાખલ કરવામાં આવે છે તેવી જ રીતે તે સમયે જ કેસના ગુણદોષ ચકાસીને જ કેસ દાખલ કરવાનો રહેશે તેમજ કેસો નીચલી કોર્ટમાં રીમાન્ડ ન કરતા આખરી ચુકાદો આવે તે રીતે હુકમ કરવા અંગે GRT અને SSRDમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી. વધુમાં, કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે SSRD દ્વારા જિલ્લાઓમાં કેમ્પોનું વધુ ને વધુ આયોજન કરવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું છે.

રાજ્યમાં ઓનલાઈન સેવાઓમાં SSRD દ્વારા પક્ષકારોને તેમના કેસની માહિતી SMS દ્વારા ઓનલાઈન કોમ્પ્યુટર કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પુરી પાડવામાં આવે છે તથા હુકમોની નોંધ ઈ-ધરા મારફતે પાડવામાં આવે છે અને હુકમો પણ SSRDની વેબ સાઈટ પર ઓન લાઈન મુકવામાં આવે છે તેવી જ કાર્યપદ્ધતિ GRTમાં અમલમાં લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

પડતર અપીલોનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે GRTમાં પૂર્ણ સમયની કોર્ટો ચાલુ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી તેમ જ GRTની સત્તાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે, તેમ જણાવાયું હતું.

  • પારદર્શી ઓન લાઈન કોમ્પ્યુટર કેસ મેનેજમેન્ટ સિસ્ટમ – SMS દ્વારા પક્ષકારોને સીધે સીધી મુદ્દતની જાણકારી મળે તેવી વ્યવસ્થા શરૂ કરાશે
  • કેસોનો વધારે ભરાવો હોય તેવા જિલ્લાઓમાં કેમ્પો યોજી ત્વરિત નિકાલનું આયોજન
  • SSRDમાં કેસોનું ભારણ ઘટાડવાના ભાગરૂપે GRTના કાર્યક્ષેત્રમાં વધારો