ધરા ધ્રૂજવાનું વધી રહ્યું છે પ્રમાણ, સુરેન્દ્રનગરમાં 5 સહિત 9 આંચકા અનુભવાયાં

અમદાવાદઃ ભૂંકપનો આંચકો અનુભવવો ગુજરાતવાસીઓ માટે મોટી દુર્ઘટનાની યાદ તાજી કરાવી દેનાર અનુભવ બની રહે છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં સમયાંતરે પાંચવાર ધરતીકંપના હળવા આંચકા અનુભવાતાં ગભરાટ ફેલાયો છે. એટલું જ નહીં અન્ય બે જિલ્લામાં પણ અલગ અલગ સમયે આંચકાનો અનુભવ થયો હતો જેને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા છે, તેમાં અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાંચ આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

ભૂકંપના આ આંચકાઓ સવારે 8.20 વાગ્યાથી બપોરના 2.00 વાગ્યા સુધી અનુભવાયા હતા. સવારે આઠ વાગ્યે 2.0ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. તો ગીર-સોમનાથમાં બપોરે 2.12 વાગ્યે 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જ્યારે 2001માં ભૂકંપના કારણે બરબાદ થયેલા કચ્છમાં પણ ત્રણ આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપરમાં બે અને ભચાઉમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાઓની તીવ્રતા ઓછી હતી જેના કારણે મોટાભાગના લોકોને તેની ખબર પડી ન હતી ફાઈલ તસવીર

આપને જણાવીએ કે હજુ ગત સપ્તાહમાં સૂરત અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયાં હતાં. 15 ડીસેમ્બરે રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતાં જે રિક્ટર સેલ પર 3.5નો આંચકો નોધાયો હતો. આ આંચકાનું એપી સેન્ટર સૂરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.

સૂરતના ધરતીકંપના આંચકાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. તળાજા વિસ્તારના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 થી 5 સેકન્ડ સુધી ધરતી કંપતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે તે ભૂસ્તરીય હિલચાલનું પ્રમાણ વૈશ્વિકસ્તરે વધી રહ્યું હોવાના સીસ્મોલોજિકલ સંસ્થાઓના અહેવાલો સમયાંતરે બહાર આવી રહ્યાં છે.