રાજ્યમાં દર્દીઓ માટે રક્ત પૂરવઠાની અછત, 1 જૂને ખાસ રક્તદાન કેમ્પ યોજાશે

ગાંધીનગર- હાલ ઊનાળાની સીઝનમાં જરુરિયાતમંદ દર્દીઓને માટે લોહીની મોટી અછત સર્જાઇ છે. જેને પહોંચી વળવા 1 જૂને એનએચએમ ભવન સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ફાઈલ તસવીર

નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગ, નેશનલ હેલ્થ મિશન ગુજરાત, જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ૧લી જૂનના રોજ સવારે ૯.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી યોજાનાર રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા પ્રજાજનોને વિનંતી કરાઈ છે.

‘‘રક્તદાન થકી જીવનદાન’’ના મંત્ર થકી જીવન ટકાવી રાખવા માટે લડતાં હજારો દર્દીઓ, પ્રસૂતા માતાઓ, ટ્રાફિક એક્સિડન્ટ, થેલેસેમિયા, કેન્સરની સારવાર વખતે રક્તની ગંભીર કટોકટી ઉભી થઈ હોઈ, નાગરિકોને રક્તદાન કરી ગરીબ તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ થવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.