નર્મદા યોજનાની કેનાલોનું ઘણું કામ બાકી, વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર

0
752

ગાંધીનગરઃ નર્મદા યોજનાની કેનાલોનું કામ હજી બાકી હોવાનો સરકારે સ્વીકાર વિધાનસભામાં કર્યો છે. 2730 કિલોમીટર લંબાઈની શાખા કેનાલમાં 110.82 કિલોમીટરનું કામ જ્યારે 4,546 કિલોમીટરની કેનાલ પૈકી 209.82 કિમીનું કામ, તો 15,669.94 કીમીની પ્રશાખા કેનાલો પૈકી 1691.44 કીમીનું કામ, અને 48319.94 કીમીની પ્રપ્રશાખા કેનાલ પૈકી 8,783.57 કિમીના કામ હજી બાકી છે. અત્યાર સુધી નર્મદા યોજના પાછળ કુલ 70167.55 કરોડનો કુલ ખર્ચ કરવામાં આવ્યો છે.

નર્મદા કેનાલના બાકી કામકાજના પ્રશ્નમાં ગૃહમાં હોબાળો થયો હતો. આ મામલે નીતિન પટેલ અને વીરજી ઠુમમર આમને સામને થઈ ગયાં હતાં. તો આખરે આ હોબાળા વચ્ચે કોંગ્રેસના તમામ સભ્યો સરકારની વિરુદ્ધ ગૃહમાં ઉભા થયાં હતાં.

નર્મદા કેનાલમાં છેલ્લા 2 વર્ષમાં 207 વખત ગાબડાં અને ભંગાણ થવાની ફરિયાદો સામે આવી છે. ગાબડાં અને ભંગણમાં સરકારે 2 વર્ષમાં 77.82 લાખ રીપેરીંગમાં ખર્ચ્યા છે. તો રાજ્ય સરકારે ગાબડાં, ભંગાણ પડવાના કારણો આપ્યાં છે.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે પાણીનો ઉપાડ ન કરતાં નહેર ઓવરટોપ થવાથી, ઉંદર કે નોળીયાના દરમાં લીકેજ થવાથી, નવા-જૂના કામના જોઈન્ટ બનાવવામાં બાંધકામમાં નબળી કામગીરીથી, જાહેરમાં આડશ મૂકવાથી, સાયફનમાં કચરો કે મૃત પ્રાણી ફસાઈ જવાથી અને નહેર ઉભરાઈ જવાથી તેમ જ ઓપરેશન અને મેઇન્ટેનન્સની ખામીના કારણે નર્મદા કેનાલમાં ગાબડા પડ્યાં છે અને ભંગાણ થયું છે.