આ પ્રસિદ્ધ મંદિરના શિખરમાં સમારકામને મંજૂરી અપાઇ

અમદાવાદ– ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આગામી સમયમાં મરામતકામ હાથ ધરવામાં આવશે. 850 વર્ષ જૂનાં મંદિરના બાંધકામને ઘસારો પહોંચ્યો છે ત્યારે સૌથી વધુ શિખરને વાતાવરણની અસર જોવા મળી રહી છે.

ડાકોર મંદિરના શિખરનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ નિર્ણય લેવા માટે તાજેતરમાં ડાકોર ટેમ્પલ કમિટીની બેઠક મળી હતી અને તજજ્ઞોના અહેવાલ બાદ શિખરના મરામતકામને મંજૂરી આપવામાં આ છે. ટૂંકસમયમાં નિષ્ણાતો દ્વારા શિખર તેમ જ ગુંબજનું નિરીક્ષણ કરી સમારકામની જરુરિયાતનો અંદાજ લેવામાં આવશે.

દ્વારિકાથી ભગવાન શ્રીકૃષ્ણ બોડાણાની ભક્તિથી દોરાઇને સંવત 1212માં ડાકોર પર્ધાયા હતા. ડાકોરમાં આગમન બાદ પ્રભુ ડંકનાથ મહાદેવ, લક્ષ્મીજી મંદિર તથા ભક્ત બોડાણાના ઘેર રહ્યાં હતાં. એ પછી હાલના શિખરબંધ મંદિરનું નિર્માણ કરી રાજા રણછોડરાયની આ મંદિરમાં પધરામણી કરાવવામાં આવી હતી. જાણકારોના મતે હાલના મંદિરના નિર્માણને આશરે 850 વર્ષ થયાં છે.