ડાકોર ફાગણી પૂનમના મેળા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ…

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તા.૧૯-૨૦/૦૩/૨૦૧૯ ના રોજ ફાગણી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ફાગણી પૂનમના મેળામાં અંદાજે ૧૫ લાખ જેટલા શ્રદ્ધાળુઓ રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે.  યાત્રીકો સુવિધા અને સુરક્ષા માટે જિલ્‍લા પ્રશાસન દ્ધારા સુચારૂ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સુધીર પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.

જિલ્લા કલેક્ટર સુધીર પટેલે જણાવ્યું કે તા.17મી માર્ચથી મેળાના સુવ્‍યવસ્‍થિત સંચાલન અને દેખરેખ માટે આઠ રૂટ ઉપર ૬૪ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ૪૪ જેટલા નાયબ મામલતદારોની એક્ઝીક્યુટીવ મેજિસ્‍ટ્રેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ડાકોરમાં વિવિધ આઠ સ્‍થળોએ ૮ મોબાઇલ, ટોઇલેટ વાન, ૧૩ પે એન્‍ડ યુઝ શૌચાલય, અને પાંચ સ્‍થળોએ ફાયર ફાઇટરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ગોમતી તળાવમાં ત્રણ નૈાકા વિહારના સંચાલન તથા ૧૬ તરવૈયા સહિત એન.ડી.આર.એફ.ની ટીમ લાઇફ સેવીંગ જેકેટ-બોટ સાથે તૈનાત રહેશે. ગળતેશ્વર ખાતે તા.૧૭-૦૩-૧૯ થી તા.૨૧-૦૩-૧૯ સુધી ૧૭ કર્મચારીઓને મહિસાગર નદી કિનારે ફરજ સોંપવામાં આવી છે. મહિસાગર નદી કિનારે આઠ જેટલા તરવૈયાઓ સહિત એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે.

આ સીવાય એસ.ટી. દ્ધારા વિવિધ ૧૧ ડેપોની ૩૦૦ કરતા વધુ બસો મેળા માટે ફાળવવામાં આવી છે. અમદાવાદના યાત્રિકો માટે ગુર્જરી ખાતે હંગામી બસ સ્‍ટેન્‍ડ ઉભુ કરવા સાથે ભવન્‍સ કોલેજના મેદાનમાં હંગામી પાર્કીંગ સ્‍ટેન્‍ડ બનાવવામાં આવ્‍યા છે.

ડાકોર ટેમ્‍પલ કમિટી દ્ધારા હોળી-પૂનમના તહેવાર નિમિતે તા.૧૯-૦૩-૨૦૧૯ થી તા.૨૧-૦૩-૨૦૧૯ સુધી મંદિરના દર્શન માટેનો સમય પણ વધારવામાં આવ્‍યો છે. ડાકોર મંદિરમાં પદયાત્રીઓને દર્શન માટે ૬ એલ.ઇ.ડી., ૬ પ્રોજેક્ટ સ્‍ક્રીન, ૧૮ માઇક પોઇન્‍ટની વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ડાકોરમાં ૧૬ અગ્‍નિશામક યંત્રની વ્‍યવસ્‍થા કરવા સાથે ૩૫ સ્‍થળોએ દર્શનના સમય દર્શાવતા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્‍યા છે. ડાકોરમાં રાધાકુંડ અને વાડાફાર્મમાં મંદિર તરફથી વિસામો બનાવવામાં આવ્‍યો છે.