ઇઝરાયલનું તાહલ ગ્રુપ આવશે ગુજરાતમાં, આ ક્ષેત્રોમાં વધારાશે વેપાર

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીના ઇઝરાયેલ પ્રવાસના ત્રીજા દિવસે કૃષિલક્ષી વેપાર અને વ્યવસ્થાપનક્ષેત્રમાં મહત્ત્વની ચર્ચા થઇ હતી. કૃષિ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર અને ટોચના અધિકારીઓએ ઇઝરાયેલની ટોચની કંપની તાહલ ગ્રૂપના તજજ્ઞ જ્ઞાનનો ગુજરાતના કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે વિનિયોગ કરવાની સંભાવના ચકાસી હતી.કૃષિ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારની આગેવાનીમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં તાહલ ગ્રુપના મેનેજમેન્ટે ગુજરાતના કૃષિ ક્ષેત્રે – વાવેતરથી લઇને પ્રોસેસિંગ અને પેકેજિંગ સુધીના સોલ્યૂશન્સ માટે ગુજરાત સાથે સહયોગ સાધવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો.

તાહલ ગ્રુપ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સક્રિય છે તથા કૃષિ અને જળના ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સર્વિસિસ પ્રદાન કરે છે અને આ ગ્રુપના જ્ઞાનતજજ્ઞતા ગુજરાતના કૃષિ ક્ષેત્રે એન્ડ-ટુ-એન્ડ વેલ્યુ ચેઇનને વધુ મજબૂત બનાવવામાં કારગત નિવડી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાહલ ગ્રુપનો કાર્યવ્યાપ ભારતમાં પણ છે. ભારતમાં આ ગ્રુપે ચાર પ્રોજેક્ટ્સમાં ૮ કરોડ ડોલરના મૂલ્યનું રોકાણ કર્યું છે.  તાહલ ગ્રુપે પોતાના વિવિધ પ્રોજેક્ટ્સની માહિતી ગુજરાતના પ્રતિનિધિમંડળને આપી હતી.તાહલ ગ્રુપ ભારતના બે-ત્રણ રાજ્યમાં હાલ ઉપસ્થિતિ ધરાવે છે.

ગુજરાત ભારતમાં કૃષિ ક્ષેત્રે અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે તેવા સમયે રાજ્યના કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે તાહલ ગ્રુપના કૌશલ્ય-જ્ઞાનનો વિનિયોગ રાજ્યના એગ્રિકલ્ચર સેક્ટરની શ્રૃંખલાને વધુ મજબૂત બનાવશે. તાહલ ગ્રુપના મેનેજમેન્ટ સાથે અમે સર્વગ્રાહી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ સહિત જળ વિષયક માહિતી સંકલિત કરવાના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સમયમાં આ દિશામાં વધુ પ્રક્રિયા હાથ ધરાશે.

તાહલ ગ્રુપ સાથેની બેઠકમાં પ્લાસ્ટિકના રિસાયકલિંગના સંદર્ભમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની યોજનાની સંભાવના પણ ચકાસવામાં આવી હતી.

કૃષિ રાજ્યપ્રધાન પ્રધાને ગુજરાતમાં રોકાણની સંભાવના ચકાસવા માટે તાહલ ગ્રુપને વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં ભાગ લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.