રાજ્યના વાતાવણમાં પલટો આવ્યો, ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ તો ક્યાંક ઉકળાટ

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. દિવસ દરમિયાન ઉકળાટ અને બાફનું વાતાવરણ હોય છે તો રાત્રે વાતાવરણમાં ઠંડક હોય છે. તો આ સીવાય રાજ્યમાં ફરીએકવાર ક્યાંક ક્યાંક વરસાદી માહોલ પણ સર્જાયો છે. ગઈકાલે બપોરબાદ અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો આ સીવાય સુરતમાં 15 મિનિટ સુધી વાવાઝોડા જેવી સ્થિતી સર્જાઈ હતી.

સુરતમાં બપોરના સમયે પંદર મિનિટના મીની વાવાઝોડાએ શહેરમાં કહેર વર્તાવ્યો હતો. બપોરના ત્રણ વાગ્યાના સુમારે એકાએક ભારે પવન અને વિજ કડાકાં સાથે વરસાદ તૂટી પડયો હતો અને તેની તિવ્રતા એટલી ગંભીર હતી કે, તોફાન દરમિયાન વિઝિબિલિટી પણ લગભગ ઝીરો થઈ હતી. સુરતમાં વરસાદી તોફાન દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ ત્રીસથી વધુ વૃક્ષોનું નિકંદન નીકળી ગયું હતું. જયારે હજારો દર્દીઓની અવર જવર વાળી નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ચાર વૃક્ષો તૂટી પડતા તુરત ફાયરની ટીમ બોલાવીને રસ્તો કિલયર કરાવાયો હતો.

સુરતના અઠવાલાઈન્સ, રિંગરોડ અને સ્ટેશન વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ ભારે તોફાની પવનમાં વૃક્ષો તૂટી પડયાં હતા. સદનસીબે વૃક્ષો તૂટી પડવા કે, વાવાઝોડાને કારણે કોઈ જાન હાનિ નોંધાઈ ન હતી. તો બીજીબાજુ ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. સાપુતારા સહિત અને વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.