અમદાવાદના મનોદિવ્યાંગ બાળકોનું શિમલામાં સ્ટેજ પરફોર્મન્સ

અમદાવાદઃ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા 64મી ડ્રામા અને ડાન્સ હરીફાઇ શિમલામાં યોજાઇ હતી. અમદાવાદના મનોદિવ્યાંગ બાળકોને આ કાર્યક્રમમાં પોતાની કલાની પ્રસ્તુતિ કરવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ  સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ  બાળકોએ શિમલામાં પોતાની કલા રજૂ કરી હતી. સંસ્થાના 13 જેટલા મનોદિવ્યાંગ બાળકોએ શિવતાંડવ, હનુમાન ચાલીસા, તેમજ આર્મી ડાન્સ સ્ટેજ પર રજૂ કર્યો હતો. સુંદર ડ્રેસ સાથેના અનોખા સ્ટેજ પરફોર્મન્સ બાદ અમદાવાદના આ બાળકોને  ખાસ પ્રાઇઝ આપવામાં આવ્યાં હતાં.

શિમલાના ખુશનુમાં વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં  હિમાચલના શિક્ષણ પ્રધાન સુરેશ ભારદ્વાજ, જાણિતા કલાકાર રોહિત ગોર તેમજ શિમલા શહેરના મેયર ઉપસ્થિત રહ્યા હતા. 22 રાજ્યોના 380 ગૃપ ડાન્સના પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદના મનોદિવ્યાંગ બાળકોને તૈયાર કરવામાં સંગીતા પંચાલ, કૃતિકા પ્રજાપતિ અને નિલેશ પંચાલે અથાગ પ્રયત્નો કર્યા હતા.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)