ગુજરાત વિધાનસભાની રીનોવેશનની કામગીરી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે

0
1770

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના વિઠ્ઠલભાઇ પટેલ ભવનની રીનોવેશન કામગીરી ફેબ્રુઆરી-૨૦૧૮માં પૂર્ણ થનાર છે અને આગામી બજેટ સત્ર પણ ત્યાં જ યોજાય તેવા રાજ્ય સરકારના પ્રયત્નો છે, એમ ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું.નીતિન પટેલે ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલ રીનોવેશન કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, અંદાજે રૂ.૧૨૦ કરોડના ખર્ચે ગુજરાત વિધાનસભાના ભવનનું રીનોવેશન ચાલી રહ્યું છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ અને વિધાનસભા સચિવાલયના સંયુક્ત સહયોગથી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે કામગીરી આગામી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થનાર છે. રીનોવેશન બાદ નવું વિધાનસભા ભવન દેશનું સૌ પ્રથમ અદ્યતન સુવિધાથી સજ્જ બનશે. જેમાં મુખ્યપ્રધાનનું કાર્યાલય, નાયબ મુખ્યપ્રધાનનું કાર્યાલય, પ્રધાનોના કાર્યાલય, વિપક્ષના નેતાનું કાર્યાલય તથા ધારાસભ્યોને પણ મોકળાશ રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત શાસક પક્ષના તેમજ વિપક્ષના સભ્યો માટે અલાયદા કમિટી રૂમ, કોન્ફરન્સ હોલ, અદ્યતન લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

તેમણે ઉમેર્યુ કે, લોકશાહીનું મંદિર એવી ગુજરાત વિધાનસભાના પરિસરમાં ભોંયતળીયે મ્યુઝીયમ બનાવાયું છે. જેનો મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લઇ શકશે. આ મ્યુઝીયમમાં ઐતિહાસિક સ્થાપત્યો, આઝાદીની ચળવળમાં ભાગ લેનાર મહાન નેતાઓ સહિત ક્રાંતિવીરો, શહીદોનું ચિત્રાંકન પણ નિદર્શીત કરવામાં આવશે.

વિધાનસભા ગૃહમાં સાઉન્ડ સીસ્ટમ પણ અત્યાધુનિક ગોઠવવામાં આવશે. તેમજ ૨૦૨૫ સુધીમાં વિધાનસભામાં સભ્યોની સંખ્યામાં વધારો થવાનો નથી. તેમ છતાંય પણ ૨૦૨૫ની વસતી ગણતરી મુજબ જો વિધાનસભાના સભ્યોની સંખ્યા વધે તો તે માટે પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.