રાષ્ટ્ર એ સર્વોપરી છે, તેના માટે કાર્ય કરીએ, જીવીએ અને મરીએઃ મુખ્યપ્રધાન

રાજકોટઃ શહેરના પ્રમુખસ્વામિ ઓડિટોરીયમ ખાતે સરસ્વતિ વિદ્યા મંદિરના યજમાનપદે ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજિત પ્રદેશ વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ-સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પણ હાજરી આપી હતી.

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર એ સર્વોપરી છે, રાષ્ટ્ર માટે કાર્ય કરીએ, જીવીએ અને મરીએ આપણી ઋષિ પરંપરામાં ગુરુકુળોમાં રાજકુમારો અને સમાજના યુવાનોને શિક્ષણ સાથે ધર્મ જોડીને સંસ્કારીત અને દિક્ષીત કરવામાં આવતા હતા. આપણી સંસ્કૃતિ, રાષ્ટ્ર અને માનવતાના મૂલ્યો કઇ રીતે સુદ્રઢ થાય તે માટે પ્રયત્નો ઋષિમુનિઓ કરતા હતા. તેમના આધારે લોકો મૂલ્યો અને કાર્યો સુનિશ્ચિત કરતા હતા.

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, વિદ્યાભારતી સંસ્થા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળભૂત વિચારોને લઇને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. રાષ્ટ્રને પરમ વૈભવ ઉપર લઇ જવા અલગ-અલગ દિશામાં જે પ્રયત્નો થઇ રહયા છે તેમાં એક વિદ્યાભારતી છે. અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે વિદ્યાભારતી વિદ્યાલયના એસ.એસ.સી.માં ‘એ’ ગ્રેડ લાવનાર ૫ પ્રતિભાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશેષ સિધ્ધી મેળવનાર ૪ વિદ્યાર્થીઓ તથા ૪ પૂર્વ વિદ્યાર્થીઓ અને એસ.એસ.સી.-૨૦૧૮માં સો ટકા પરિણામ લાવનાર ૪ વિદ્યાલયોનું છાત્ર અલંકરણ સન્માન કરવામાં આવ્યુ હતું.