ગાંધીનગરઃ રાજ્ય સરકારે પાટીદારોની ત્રણ માંગ સ્વીકારી

ગાંધીનગર-બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભાની ચૂંટણી પહેલાં અંત લાવવા ભાજપ સરકારે પ્રયત્નો શરૂ કરી દીધા છે. આ પ્રયત્નના ભાગ રૂપે આજે સરકાર અને પાટીદાર સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને પાસ તેમજ એસપીજીના આગેવાનો સહિત 100 જેટલા અગ્રણીઓની સરકાર સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને પૂર્વી પટેલ અને રેશમા સહિતના પાટીદાર નેતાઓ જોડાયા હતા.

સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે યોજાયેલી આ બેઠકમાં સરકાર કુલ બે મુદ્દાઓ પર સહમત થઈ હતી. સરકારે સવર્ણ આયોગ આપવાની વાત કરી હતી જે પાટીદાર આગેવાનોએ માન્ય રાખી નહોતી. તો આ સિવાય સરકાર પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા માટે તૈયાર થઈ છે પણ અનામત અને જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માગનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ પાટીદારોએ સૂત્રોચ્ચાર કર્યાં હતાં, કેટલાક લોકોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યાં હતાં તો કેટલાક લોકોએ ભાજપ જિંદાબાદના નારા લગાવ્યાં હતાં.

કેટલાક લોકો રાજકીય પ્રેરિત થઈને આંદોલન કરી રહ્યાં છેઃ નિતીન પટેલ

રાજ્ય સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પત્રકારો સાથે વાત કરી હતી. નીતીનભાઈએ જણાવ્યું કે પાટીદાર આગેવાનો સાથે થયેલી બેઠક સારી રહી. ખૂબ જ શાંતિથી ચર્ચા થઈ અને તમામ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નિતીનભાઈએ જણાવ્યું કે કેટલાક લોકો રાજકીય રીતે પ્રેરિત થઈને આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથે કંઈક અલગ બોલે છે અને બહાર મિડિયામાં જુદા નિવેદનો આપે છે. નિતીનભાઈએ જણાવ્યું કે અમે પાટીદારો સામે થયેલા તમામ કેસો પરત ખેંચવા માટે તૈયાર છીએ. અને તેમને સરકારી નોકરીમાં અગ્રતા ક્રમ પણ આપવામાં આવશે. પાટીદાર સમાજને મદદરૂપ થવા માટેની પાટીદાર આગેવાનોની માંગને સરકારે સ્વીકારી છે, બિનઅનામત જ્ઞાતિ આયોગ બનશે, જે માટે કાલે કેબિનટની બેઠકમાં મંજૂરી મળશે, અને ટૂંકસમયમાં બિનઅનામત જ્ઞાતિ આયોગની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરાશે. નિતીનભાઈએ જણાવ્યું કે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે. પાટીદાર સમાજના અગ્રણીઓનો આભાર માનું છું.

મુલાકાત સારી પણ પરિણામલક્ષી નહીઃ હાર્દિક પટેલ

સરકાર સાથે બેઠક પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે બેઠક સારી રહી, સરકાર દ્વારા અમારી બે માંગણીઓ સ્વીકારવામાં પણ આવી પરંતુ બેઠક પરીણામલક્ષી રહી નથી. હાર્દિકે જણાવ્યું હતુ કે સરકારના આયોગની જાહેરાતને અમે આવકારીએ છીએ. પરંતુ આંદોલન તો ચાલુ જ રહેશે, અને અમે ગામડે ગામડે ફરીને આંદોલનને આગળ વધારીશું. સરકાર સાથે અનામત મુદ્દે યોગ્ય ચર્ચા થઈ નથી. હાર્દિકે જણાવ્યું કે સકરકાર દ્વારા અમે સમાજના હિત માટે કરવામાં આવતી તમામ જાહેરાતોને આવકારીશું પરંતુ જ્યાં સુધી અનામત મુદ્દે યોગ્ય નહી આવે ત્યાં સુધી આંદોલન તો ચાલુ જ રહેશે.