ડાકોર મંદિરમાં સેવકોએ મેનેજરને મેથીપાક ચખાડ્યો, પોલીસ ફરિયાદ થઈ

નડિયાદ– ડાકોરના રણછોડરાય મંદિરના મેનેજરને આજે સેવકોએ મેથીપાક ચખાડ્યો હતો. મેનેજરના મનસ્વી વર્તનને કારણે મંદિરના પૂજારીથી માંડીને સેવકો નારાજ હતા. ડાકોરના રણછોડરાય મંદિરમાં મેનેજર તરીકે રુપેશ શાસ્ત્રી દોઢ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ મેનેજર વિરુધ્ધ મંદિરના પૂજારીઓએ અને સેવકોએ મનસ્વી નિર્ણયો લેવા માટે આક્ષેપ કર્યો હતો. પણ આજે વિવાદ વધુ વકર્યો હતો, અને આ વિવાદ ગુસ્સામાં પરિવર્તિત થયો હતો.

રોષે ભરાયેલા મંદિરના બે સેવકો દ્વારા મેનેજરની ચેમ્બરને તાળુ મારી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી સાંજે 4 વાગ્યાની આસપાસ રણછોડરાયજી મંદિરના દ્વાર ખુલતાં મેનેજર પોતાની ચેમ્બર તરફ આવ્યા હતા. તે દરમિયાન ઉશ્કેરાયેલા સેવકોએ રુપેશ શાસ્ત્રીને ઢોર માર માર્યો હતો, અને તેમની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો. આ વિવાદ પછી મેનેજર દ્વારા જોઈન્ટ મેનેજર શૈલેષને સસ્પેન્ડ કરાયા છે.

ઈજાગ્રસ્ત મેનેજર રુપેશ શાસ્ત્રીને ડાકોરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર બાદ ડાકોર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે રુપેશ શાસ્ત્રીની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.