સરકારની તરફેણમાં કોર્ટ ચૂકાદાના સમયગાળામાં પણ વેરા વસૂલાશે

ગાંધીનગર- ગુજરાત સરકારે સોમવારે ગુજરાત મૂલ્યવર્ધિત વેરા સુધારા વિધેયક વિધાનસભાગૃહમાં વિનાવિરોધે પસાર કરી દીધું છે. નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું કે ન્યાયાલયોમાં વેરા સંબંધિત બાબતોના સરકારની તરફેણના ચૂકાદાના સમયગાળા દરમિયાનના વેરા વસૂલી શકાશે. રાજ્યમાં મૂલ્યવર્ધિત વેરા અધિનિયમમાં સુચારુ વહીવટ અને અનુશાસન માટે વખતોવખત સુધારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં વેટ કાયદાના અમલ બાદ રાજ્યના હિતમાં હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારાયેલ અપીલના કિસ્સામાં ચૂકાદાના સમયગાળા દરમ્યાન રાજ્યની આવક અને વેપારીઓના હિતને નુકશાન ન થાય તે માટે  ગુજરાત મૂલ્યવર્ધિત વેરા સુધારા વિધેયક રજૂ કરાયાં હોવાનું પટેલે કહ્યું હતું.

આ વિધેયકથી વાણિજ્યિક વેરા ખાતાએ વેટને લઇ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારાયેલ કેસોમાં ચીકાદાના સમય દરમિયાન અને બાદ રાજ્ય સરકારની તરફેણમાં આવતા ચૂકાદાઓથી ન્યાયાલયના સમયગાળાના વેરા રાજ્ય સરકાર વસૂલી શકશે જેનાથી રાજ્યની આવક અને હિત જળવાશે.

સામાન્ય સંજોગોમાં ટ્રીબ્યૂનલ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ વાણિજ્યિક વેરા ખાતાને બંધનકર્તા રહે છે તેમ જ આ ચૂકાદાઓને આધીન આદેશોનું પાલન થાય છે. પરંતુ વાણિજ્યિક વેરા ખાતાએ નામદાર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારેલ હોય તેવી અપીલોમાં નિર્ણય આવવામાં સમય થાય છે તેવા કિસ્સામાં આ વિધેયકથી રાજ્યના નાણાકીય હિતમાં રાજ્યની વિરૂધ્ધના અગાઉના ચુકાદા અને ત્યારબાદ રાજ્યની તરફેણમાં આવેલ ચૂકાદા વચ્ચેના સમય રીવીઝન અને અમલની સમયમર્યાદામાંથી બાકાત રાખી શકાશે.