ગુજરાત સરકારે દીવાળીએ 131 કરોડથી વધુનો ખજાનો ખોલ્યો

રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્ત્વના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલાં આ જાહેરાતો દીવાળી પર્વે નાગરિકો માટે રાહતરુપ નીવડશે.

૧૦૫ નગરપાલિકાઓના કર્મચારીઓને  સાતમાં પગાર પંચનો લાભ અપાશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કર્મચારીઓને પણ સાતમા પગારપંચના લાભો મળે તે માટે નિર્ણય કર્યો છે. રાજ્યની લગભગ ૧૦૫ નગરપાલિકાઓના અંદાજે ૧૫૦૦૦ કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવશે. રાજ્યની જે નગરપાલિકાઓ દ્વારા હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ, નિયમિત રીતે પગાર ભથ્થા ચૂકવાય છે તથા ૪૮%ની મહેકમ ખર્ચ મર્યાદા જાળવી રાખે છે, તેવી લગભગ ૧૦૫ નગરપાલિકાઓને, તેના કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબના લાભો ચુકવવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. રાજ્યની આવી લગભગ ૧૦૫ નગરપાલિકાના ૧૫૦૦૦ કર્મચારીઓને નગરપાલિકાઓ લાભ આપી શકશે અને આ માટે નગરપાલિકાઓને વાર્ષિક રૂ.૫૪ કરોડનું ભારણ થશે.

૧૧૩ ગ્રાન્ટ ઇન એઇડ આઇટીઆઇ ના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર

રાજ્યની ૧૧૩ ગ્રાન્ટ ઇન એઇડ આઇ.ટી.આઇ.ના કર્મચારીઓને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાલ ૧૧૩ ગ્રાન્ટ ઇન એઇડ આઇ.ટી.આઇ. કાર્યરત છે. જેને ૧૦૦ % સરકારી ગ્રાન્ટ આપવામાં આવે છે. તેના શિક્ષકો અને કર્મચારીઓને તા.૦૧.૦૧.૨૦૧૬ની અસરથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવેલ છે. જેના લીધે રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૩ કરોડનું વધારાનું ભારણ થશે.

શૈક્ષણિક- બિનશૈક્ષણિક કર્મચારીઓના ફિક્સ પગારમાં વધારો

રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના ફિક્સ પગારમાં વધારો કરાયો છે. જેનો લાભ ૭૦૨૨ કર્મચારીઓને થશે અને રાજ્ય સરકારને આ માટે અંદાજે વધારાનું રૂ.૭૪ કરોડનું વધારાનું વાર્ષિક ભારણ થશે.

વિવિધ કેડરોના ફિક્સ પગારમાં વધારો કરાયો છે તેમાં માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષણ સહાયકોને રૂ.૧૬,૫૦૦/-ને બદલે રૂ.૨૫,૦૦૦/-, વહીવટી સહાયકને રૂ.૧૧૫૦૦/- ને બદલે રૂ.૧૯૯૫૦/-, તથા સાથી સહાયકને રૂ.૧૦૫૦૦/-ને બદલે રૂ.૧૬,૨૨૪/- સુધારેલો પગાર મળશે. તે જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષણ સહાયકોને રૂ.૧૭,૦૦૦/- ને બદલે રૂ.૨૬,૦૦૦/-, વહીવટી સહાયકને રૂ.૧૧૫૦૦/-ને બદલે રૂ.૧૯૯૫૦/-, તથા સાથી સહાયકને રૂ.૧૦૫૦૦/- ને બદલે રૂ.૧૬,૨૨૪/- સુધારેલો પગાર મળશે

મા વાત્સલ્ય યોજના લાભાર્થીની આવકમર્યાદા રૂ.૧.૫૦ લાખને બદલે  રૂ.૨.૫૦ લાખ કરાઈ

યોજનાનો વ્યાપ વધતા અને નાગરિકો દ્વારા રજુઆતો થતાં આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો અંદાજે રાજ્યના ૪ કરોડથી વધુ નાગરીકોને લાભ મળશે.

આ યોજનામાં હ્રદય, કિડની, કેન્સર, સર્ગભા મહિલાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, અકસ્માતમાં ગંભીર ઈજાઓ, બર્ન્સ, મગજના રોગોની સારવારમાં આ પરિવારોને સહાયરૂપ થવા આ યોજના હેઠળ ૬૨૮ થી વધુ ઓપરેશનો માટે વાર્ષિક મહત્તમ રૂ.૨ લાખ સુધીની કેશલેશ સારવાર પુરી પાડવામાં આવે છે. જેમાં દર્દીઓને ઓપરેશન સહિત દવાઓ તથા હોસ્પિટલમાં રૂમની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે. હાલ રાજ્યમાં ૨૧ સરકારી તેમજ ૯૯ ખાનગી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો, ૪૨ સ્ટેન્ડએલોન ડાયાલિસિસ સેન્ટરો મળી કુલ ૧૬૨ હોસ્પિટલોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત ૪૨ ડાયાલીસીસ સેન્ટરો દ્વારા આ સુવિધાઓ ગરીબ અને મધ્યમ પરિવારોના કિડની દર્દીને પુરી પાડવામાં આવી રહી છે. મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત યોજનાની શરૂઆત થી અત્યાર સુધીમાં ૫૦.૪૬લાખ પરિવારોના ૭,૫૬,૫૨૬ દાવાઓ મંજૂર કરાયા છે અને આ દાવાઓ હેઠળ રૂ. ૧૦૩૭.૧૩ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી છે