પોલિસ માટે હવે ત્રણ રૂમ રસોડાના સુવિધાજનક આવાસો બનાવશે સરકાર

ગાંધીનગર- પોલિસ અને તેમના પરિવારજનોને સુવિધાજનક, મોકળાશવાળા રહેણાંકોની સવલત મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લઇ હવેથી, બે રૂમ રસોડાના આવાસને બદલે ત્રણ રૂમ રસોડાવાળા આવાસો ફાળવવામાં આવશે. ગુજરાત પોલિસ આવાસ નિગમ દ્વારા હવે પછીથી બનનારા મકાનોમાં તેનો અમલ કરવામાં આવનાર હોવાનું ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.ગૃહમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લામાં પોલીસ માટેના રહેણાંક આવાસો અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું કે, પોલીસ તંત્રમાં રહેણાંક અને બિનરહેણાંકના મકાનોમાં વિવિધ સંવર્ગવાર જુદી-જુદી કેટેગરી જેવી કે, કોન્સ્ટેબલ માટે B, પી.એસ.આઇ. માટે C, પોલીસ ઇન્સ્પેક્ટર માટે D, નાયબ પોલીસ અધિક્ષક-પોલીસ અધિક્ષક માટે E, E-1 એ રીતે વિવિધ સુવિધા યુક્ત આવાસોનું નિર્માણ કરવામાં આવે છે. આ આવાસોના બાંધકામની ગુણાવત્તા અંગે થર્ડ પાર્ટી દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવે છે. બિનરહેણાંક મકાનોમાં પ્રથમ પોલીસ સ્ટેશનો અને ત્યાર બાદ આઉટ પોસ્ટનું નિર્માણ હાથ ધરવામાં આવે છે.

રાજ્યના પોલિસ તંત્ર માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનો માટે ચાલુ વર્ષના બજેટમાં રહેણાંકના મકાનો માટે રૂા. ૨૨૦ કરોડ અને બિન રહેણાંક મકાનો માટે રૂા. ૬૨ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું ગૃહ પ્રધાને જણાવ્યું હતું.