રુપાણીએ ઉદઘાટન કર્યું તે વડોદરા કોર્ટમાં પ્રથમ દિવસે વકીલોનો હોબાળો

0
1229

વડોદરાઃ ગત શનિવારના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જે કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે કોર્ટમાં વકીલોએ પ્રથમ દિવસે જ એકઠા થઈને વિરોધ કર્યો હતો. વડોદરામાં નવી બનાવવામાં આવેલી કોર્ટમાં પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવાની યોગ્ય જગ્યા ન હોવાના લીધે હોબાળો મચાવ્યો હતો. વકીલોએ એકઠા થઈને જજની ઓફિસમાં જઈને તોડફોડ કરી હતી. પરિસ્થિતી બેકાબુ બની જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા વકીલોએ એકઠા થઈને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જ અને પોતાની માંગણીઓને લઈને વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા હતા.

આજે સોમવારના રોજ નવી કોર્ટનો પ્રથમ દિવસ હતો અને કોર્ટ બિલ્ડીંગમાં વકીલોને ટેબલ મુકવા માટે અપૂરતી વ્યવસ્થા હોવાના કારણે વકીલોને કોર્ટમાં ટેબલ લઈ જતા રોકવામાં આવ્યા હતા, વકીલોને કોર્ટમાં ટેબલ ન લઈ જવા દેવાતા વકીલો રોષે ભરાયા હતા અને ભેગા મળી કોર્ટ પરીસરમાં વિરોધ કર્યો હતો. અશાંત બનેલા વકીલોને શાંત પાડવા પોલીસે લાઠીચાર્જ કર્યો તો તમામ વકીલોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો અને સાથે જ જજની ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.