વડોદરાનો મામલોઃ હવે ભાજપના નારાજ ધારાસભ્યોના મનામણાં

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના ત્રણ ધારાસભ્યો પક્ષથી નારાજ હોવાની વાત સામે આવી છે. ત્યારે આ ત્રણ ધારાસભ્યોની નારાજગીને લઈને ભાજપ સરકાર અને સંગઠનમાં દોડધામ મચી ગઈ છે. ધારાસભ્યોને મનાવવા માટે ગુજરાત સરકારના બે પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે.

ત્રણ નારાજ ધારાસભ્યોને મનાવવા માટે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જવાબદારી સંભાળશે. પ્રદેશ નેતાગીરીએ બંને પ્રધાનોને આ અંગે કવાયત હાથ ધરવા માટેની સૂચના આપી છે જેથી વડોદરાના નારાજ થયેલા ત્રણેય ધારાસભ્યોને મનાવવા માટે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ જાડેજા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

ધારાસભ્યોની નારાજગીનું કારણ અધિકારીઓ ભાજપના ધારાસભ્યોને ગાંઠતા ન હોવાનું છે જેથી આ ધારાસભ્યોની નારાજગી અંગે વધારે વિગતો પ્રાપ્ત કરીને તેમનું સમાધાન લાવવામાં આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને પણ અત્યારે વડોદરા મોકલીને ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરવા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા સરકીટ હાઉસમાં વડોદરા શહેર-જિલ્લાના 3 ધારાસભ્યોએ બંધ બારણે બેઠક કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તો સાથે જ આ ત્રણેય ધારાસભ્યોએ પ્રધાનો અને સનદી અધિકારીઓ દ્વારા થતી ઘોર ઉપેક્ષાના કારણે તેઓ ભેગા થયા હોવાની વાત મીડિયાને જણાવી હતી. તો તેઓએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 25 જેટલા ધારાસભ્યો સાથે હોવાનો દાવો કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.