ભાજપ હમેશાથી હિન્દુવાદી રહી છે, લોકો ‘ક્લોન’ પર વિશ્વાસ કેમ કરશેઃ અરૂણ જેટલી

સુરત– કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી આજે સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટીની જડ હિન્દુત્વમાં રહેલી છે. પણ હિન્દુ ધર્મમાં હાલમાં આસ્થા રાખનારા લોકો ‘ક્લોન’ની જેમ છે. અરૂણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે ભાજપ હમેશા હિન્દુત્વની સમર્થક પાર્ટી રહી છે, અને જો કોઈ અમારી નકલ કરવા જાય તો અમે ફરિયાદ નહી કરીએ, પણ રાજનીતિનો એક બેઝિક સિદ્ધાંત છે કે જો અસલી ઉપલબ્ધ હોય તો કોઈ ‘ક્લોન’ પર વિશ્વાસ ક્યાથી કરે.અરૂણ જેટલીએ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલના નિવેદનનો જવાબ આપતા આ વાત કરી હતી. જેમણે તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ખુદ હિન્દુ નથી કહી શકતાં કારણ કે તેઓ કટ્ટરવાદી વિચારધારાને આગળ વધારવાનું કામ કરે છે. તેની સાથે અરૂણ જેટલીએ કોગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર નિશાન લગાવ્યું હતું. જે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાય મંદિરમાં દર્શન કરવા ગયા છે.