સિમ્સ હોસ્પિટલની સફળતાઃ છ માસમાં 15 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યાં

અમદાવાદ સિમ્સ કેર ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સિમ્સ હોસ્પિટલે છેલ્લા છ માસમાં સફળતાપૂર્વક થેલેસેમિયાથી પીડાતા બાળકોના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાના 15 ઓપરેશન કરવાની સીદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પહેલ હેઠળ બેંગાલુરુ સ્થિત સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ક્યોર ટુ ચીલ્ડ્રનની સાથે સાથે દાતાઓની સહાયથી ઓછામાં ઓછા ખર્ચે પરિવારોને બોન મેરો પ્રાપ્ત થયાં હતાં. ગુરુવારે યોજાયેલા સમારંભમાં બીએમટી સ્પેશ્યાલીસ્ટસ અને સિમ્સ હોસ્પિટલના ટોચના વહિવટી અધિકારીઓ, સંકલ્પ ઈન્ડીયા ફાઉન્ડેશનના સભ્યો હાજર રહ્યા હતા.

સિમ્સના ચેરમેન કેયુર પરીખે આ પ્રસંગે જણાવ્યું હતું કે ડોકટરોના સહયોગથી સમાજના આર્થિક રીતે નિમ્ન વર્ગના દર્દીઓ તથા તેમના પરિવારોને ઉપચારમાં સહાયરૂપ થવા સિમ્સ ફાઉન્ડેશનની રચના કરી છે. અમે આવા જરૂરીયાતમંદ અને વંચિત લોકોને સહાય કરવા પ્રથમ કદમ ઉઠાવ્યું છે. હું સૌને આ ઉમદા કાર્યમાં સહાયરૂપ થવા અનુરોધ કરૂ છું, જેનાથી તે જીવંત તો બનશે જ પણ સાથે સાથે ચહેરા પર સ્મિત સાથે જીવી શકશે.

થેલેસેમિયા એવી બીમારી છે કે જેમાં બાળકને જીવનભર દર મહિને નવું લોહી ચઢાવવું પડે છે. દર મહિને નવું લોહી ચડાવવાની પ્રક્રિયા દરમીયાન આયર્નના ઓવરલોડનું ઘાતક જોખમ રહે છે અને ઘણીબધી મુશ્કેલીઓ પણ પડે છે. લોહી બોન મેરોમાં બનતું હોવાથી બોનમેરો, ભાઈ અથવા તો બહેનનું મેચ થતું મેરો જૂજ કેસમાં સ્વીકારતું હોય છે અને એના કારણે લોહી વધુ વખત ચડાવવાની જરૂર રહેતી નથી અને દર્દી ઝડપથી સાજો થાય છે.