ગણિત-વિજ્ઞાનની દેશભરની શ્રેષ્ઠ કૃતિઓ નિહાળવાનો અમદાવાદને આંગણે અવસર…

ગાંધીનગરઃ નવી પેઢીના બાળકોની ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં રસરુચિ વધે તે માટેના પ્રયાસ રુપે અમદાવાદના આંગણે દેશભરની શ્રેષ્ઠ કૃતિઓ નિહાળવાનો અવસર આવી રહ્યો છે. જેમાં દેશભરના રાજ્યોમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ કૃતિઓને વિદ્યાર્થીઓ પ્રદર્શિત કરશે. વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે અન્ય પ્રદર્શનો ઉપરાંત પેનલ ડિસ્કશન-સેમીનાર યોજાશે.

ગુજરાતના યજમાનપદે એનસીઇઆરટી દ્વારા ૪૫મું રાષ્ટ્રીય વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮નું આયોજન અમદાવાદ ખાતે થઇ રહ્યું છે. આ આયોજન સંદર્ભે પ્રદર્શન આયોજન કમિટીની બેઠકના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલાં રાજ્યનાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતું કે,  સરકારે બાળકોમાં વૈજ્ઞાનિક-ગાણિતિક અને પર્યાવરણીય અભિગમ સુદ્રઢ થાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર હોય, ગુજકોસ્ટ હોય કે, શહેરોમાં જિલ્લા મથકે આવેલા વિજ્ઞાન કેન્દ્રો આ બધી સંસ્થા દ્વારા બાળકોમાં ગણિત-વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે પ્રયાસો થાય છે.

અમદાવાદ ખાતે યોજાનારુ ૪૫મું રાષ્ટ્રીય પ્રદર્શન ખરા અર્થમાં વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધનનું માધ્યમ બને તેવા પ્રયાસો કરાશે. તેમણે આ માટે વિજ્ઞાન સંબંધી સંસ્થાઓ દ્વારા પણ પ્રદર્શનો યોજાય, જુદા જુદા વિષયો ઉપર પેનલ ડિસ્કશન અને સેમીનાર યોજાય તેવા પ્રયાસો માટે સૌને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં એનસીઇઆરટીના પ્રતિનિધિઓએ દ્રશ્ય-શ્રાવ્ય પ્રેઝન્ટેશન દ્વારા પ્રદર્શન-આયોજનની ભૂમિકા આપી હતી. શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે ગુજરાતના ગણિત-વિજ્ઞાન ક્ષેત્રના પ્રદાનને આ પ્રદર્શનમાં ઉજાગર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. આગામી તા. ૨૩ થી ૨૭ નવેમ્બર એમ પાંચ દિવસ માટે અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આ ૪૫મા પ્રદર્શનનું આયોજન થશે તેમ પણ આ કમિટીમાં નક્કી કરાયું હતું.