અમદાવાદ, સુરત અને ભાવનગર કોર્પોરેશન માટે નવા મેયરના નામની જાહેરાત

0
1819

અમદાવાદઃ આજે ગુજરાતના ત્રણ મહાનગરો અમદાવાદ, સુરત અને ભાવનગરના મેયર અને નવી ટર્મના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના મેયર તરીકે બીજલ પટેલ, સુરતના મેયર તરીકે જગદીશ પટેલ અને ભાવનગરના મેયર તરીકે મનહર મોરીની વરણી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના અઢી વર્ષની બીજી ટર્મના નવા મેયર અને ડેપ્યુટી મેયરની આજે વરણી કરાઈ છે. જેમાં મેયર તરીકે બિજલ પટેલ, ડે. મેયર તરીકે દિનેશ મકવાણા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે અમુલ ભટ્ટની નિમણૂંક કરાઈ છે. બિજલ પટેલ અઢી વર્ષની ટર્મ માટે મેયર બન્યા છે. તેમજ સ્ટેડન્ડીંગ કમિટીના 12 સદસ્યોની પણ જાહેરાત કરાઈ છે. આજે સવારે ચૂંટણી યોજાઈ હતી. પરંતુ આ પહેલા પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ પદ માટેના ઉમેદવારોની નામો જાહેર ન કરતા સસ્પેન્સ વધુ ઘેરુ બન્યું હતું.

તો સુરત મહાનગરના નવા મેયર તરીકે જેમાં ડૉ.જગદીશ પટેલની વરણી કરાઈ છે. તો ડેપ્યૂટી મેયર તરીકે નીરવ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલ ગોપલાણીની વરણી કરાઈ છે. શાસક પક્ષનાં નેતા તરીકે ગિરજાશંકર મિશ્રા, દંડક તરીકે દક્ષાબેન જરીવાલાની વરણી કરાઈ છે. નિમણૂંક બાદ નવા મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, હું મારી જવાબદારી શ્રેષ્ઠ શક્તિથી પૂર્ણ કરીશ. મહત્વનું છે કે સુરતના નવા મેયરના નામો માટે નીરવ શાહ, કાંતિ ભંડેરી અને જગદીશ પટેલ વચ્ચે કાંટાની ટક્કર હતી. આ ત્રણેય ઉમેદવારો વચ્ચે રેસ હોવાનું પહેલાથી જ ચર્ચાઈ રહ્યું હતું. જેમાં જગદીશ પટેલ બાજી મારી ગયા.

તો આ તરફ ભાવનગરના નવા મેયર તરીકે મનહર મોરીની વરણી કરાઈ છે. મનહર મોરી ભાવનગરના 20મા મેયર બન્યાં છે. તો ડેપ્યૂટી મેયર તરીકે અશોક બારૈયાની નિમણૂંક કરાઈ છે. યુવરાજસિંહ ગોહિલને ભાવનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ છે. શાસકપક્ષનાં નેતા તરીકે પરેશ પંડ્યા અને દંડક તરીકે જલવીકાબેન ગોંડલિયાની વરણી કરાઈ છે.