મારફાડ ગરમીઃ તાપમાનમાં તીવ્ર વધારો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ– ઊનાળો આકરે પાણીએ જીવમાત્રને તોબા પોકારાવી રહ્યો છે. અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં જ્યાં વિકાસ કાર્યોમાં મોટાપ્રમાણમાં વિશાળ વૃક્ષોનો ખાતમો બોલી ગયો છે ત્યારે શહેરીજનો તીવ્ર ગરમીમાં આકૂળવ્યાકૂળ બની રહ્યાં છે. આજે બપોર સુધીમાં શહેરનું તાપમાન કેટલું છે તે ચેક કરવા ઘણાં લોકો મોબાઇલ્સમાં વેધર સાઇટ પર હવામાન જોઇ રહ્યાં હતાં એકસમયે તેમાં 45 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર સહિતના અનેક ગામડાં સૂર્ય પ્રકોપથી સેકાઇ રહ્યા છે. બપોરની વેળાએ 45 ડિગ્રી તાપમાનની અત્યંત તીવ્ર અસર માનવ સહિત સૌ જીવ પર થઇ રહી છે. ઘર, ઓફિસ કે વૃક્ષની છત છોડી માર્ગ પર આવતાંની સાથે જ આ સૂરજ ખરેખર દઝાડતો હોય એવો અહેસાસ સૌને થઇ રહ્યો છે. માર્ગો પર સૌ કોઇ કપડાંનું આવરણ ચહેરા-શરીર પર લગાડવા મજબૂર થઇ રહ્યા છે. અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ