ગુજરાતઃ શાળાના શિક્ષકો અને કર્મચારીઓ કરશે ઉગ્ર વિરોધ.. કેમ?

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોના લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્નોને લઈને લડતનું બ્યૂંગલ ફૂંકવામાં આવ્યું છે. તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષાના રજિસ્ટ્રેશન ફોર્મની કામગીરી હાથ ધરાઈ છે. આજથી જ વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરીનો ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. 62 હજાર જેટલા શિક્ષકો આ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.

16 ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ સહિત શિક્ષણ બોર્ડની 18 ઓક્ટોબરના રોજ થનારી સામાન્ય સભાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ ગઈકાલે શુક્રવારે સંઘની સંકલન સમિતિની મળેલી તાકીદની બેઠકમાં અમે આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓ અને સાથે જ સંચાલકોના વણઉકેલાયેલા પ્રશ્નો બાબતની કામગીરીનો બહિષ્કાર ઉપરાંત આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં 16 ઓક્ટોબરને સોમવારના રોજ ધરણા કરવામાં આવશે અને ધોરણ 10 અને 12ના ફોર્મ ભરવાનો બહિષ્કાર અને કલેક્ટર તેમજ પ્રધાનોને આવેદનપત્ર તેમજ 18 ઓક્ટોબરની સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવશે.

શાળાના શિક્ષકો અને કર્મચારીઓની ઘણા લાંબા સમયથી માંગ છે કે 18 જાન્યુઆરી, 2017થી ફિક્સ પગારમાં વધારો કરવો, 1999થી શિક્ષણ સહાયકની નોકરી સળંગ ગણવી, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવું, નવી ભરતી કરવી, ગ્રાન્ટ નિતીનો અમલ કરવો, જેવી માંગ રજૂ કરાઈ છે.