સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2018 માટે તડામાર તૈયારીઓ

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2018 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ બની રહેનારી આ ટેકનોલોજિકલ સ્પર્ધામાં ભાગ રજિસ્ટ્રેશન કરાવવાની મુદત લંબાવીને 15મી જાન્યુઆરી કરવામાં આવી છે.

ફાઇલ ચિત્ર

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે ગત વર્ષે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના આયોજનમાં જીટીયુ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વખતે પણ જીટીયુ સંલગ્ન કોલેજોની ટીમો વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લે એવી આશા છે. વર્ષ 2018ની હેકાથોન સોફ્ટવેર અને હાર્ડવેર એમ બે ભાગમાં યોજવામાં આવશે. સોફ્ટવેર માટેની સ્પર્ધા કલાકની રહેશે જયારે હાર્ડવેર વિકસાવવા પાંચ દિવસની સ્પર્ધા યોજવામાં આવશે. ફક્ત પાંચ કેન્દ્રોમા આ સ્પર્ધા યોજાશે જેમાં દરેક કેન્દ્રમાં 20થી 25 ટીમો ભાગ લેશે. આ વખતે પ્રથમવાર યોજાનારી હાર્ડવેર સ્પર્ધા માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જણાય છે.

ડીજીટલ ઇન્ડિયાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરવા અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોની સમસ્યાઓ સોફ્ટવેર અને હાર્ડવેર વિકસાવીને હલ થાય તેના માટે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2018 યોજવામાં આવી રહી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન, આઈ4સી અને પરસિસ્ટન્ટ સિસ્ટમ ના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધાના વિજેતાઓને પહેલું ઇનામ રૂપિયા એક લાખ, બીજું ઈનામ રૂપિયા ૭૫ હજાર અને ત્રીજું ઇનામ રૂપિયા 50 હજાર આપવામાં આવશે.