હરિ ઓમ શ્રી પરિવાર દ્વારા શેરખી પ્રાથમિક શાળાના 285 બાળકોને મળી હૂંફભરી ભેટ

વડોદરા-રાજ્યમાં વધી રહેલું ઠંડીનું પ્રમાણ શહેરગામડાંઓને ધ્રૂજાવી રહ્યું છે ત્યારે બીજીતરફ માનવતાનો ગરમાટો પણ કેટલેક ઠેકાણે વરતાઈ રહ્યો છે.

તેવામાં ગરમ કપડાંના વિતરણ જેવા સામાજિક કાર્યોમાં અગ્રણી સંસ્થાઓ અને લોકો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદના શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના વડપણ હેઠળ બરોડા હરિ ઓમ શ્રી પરિવારના સભ્યો દ્વારા શાળાના બાળકોને સ્વેટરનું દાન આપવામાં આવ્યું હતું. વડોદરાના શેરખી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના તમામ 285 બાળકોને ઠંડીની મોસમમાં સ્વેટર આપવામાં આવ્યાં હતાં. બાળકોને ગરમ સ્વેટર પહેરાવતાં સંસ્થાના સભ્યો પરમાર્થનો આનંદ માણી રહ્યાં હતાં તો બાળકો પણ નવું ગરમ વસ્ત્ર મેળવીને ખીલખીલાટ કરતાં નજરે ચડ્યાં હતાં.

નિસ્વાર્થભાવે થતું દાન શાસ્ત્રોમાં સર્વોત્તમ માનવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજના વિવિધસ્તરમાં વંચિતતા દૂર કરવામાં નિમિત્ત બની રહે છે.