વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજનું ત્વરિત પગલું ગુજરાતી મહિલાનો જીવ બચાવશે

અમદાવાદ- વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ દેશપરદેશમાં મુશ્કેલીમાં મૂકાયેલા લોકોની મદદ કરવા માટે દુનિયામાં ખૂબ જાણીતા છે, ત્યારે તેમના પરગજુ સ્વભાવનો પરિચય અમદાવાદના મહિલાને પણ થઇ ગયો છે. અમદાવાદની એક મહિલાએ પાસપોર્ટ નહીં મળવા બાબતે ટ્વીટ કરીને ચીમકી આપી હતી કે પોતે આત્મહત્યા કરી લેશે. આ ટ્વીટમાં મહિલાએ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને ટેગ કર્યાં હતાં. જેની નોંધ લઇ સુષ્મા સ્વરાજ અમદાવાદની મહિલાની વહારે આવ્યાં અને તપાસનો આદેશ પણ કર્યો છે.વાત આમ છે…

અમદાવાદના સંતોષબહેન હરિપ્રસાદ પંડિતે પાસપોર્ટ નહીં મળતા ટ્વીટર પર આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં લખ્યું હતું કે, “મારો પાસપોર્ટ તા. 10-06-2018 સુધી નહીં મળે તો હું તારીખ 15-06-2018ના રોજ ગુલબાઇ ટેકરા ખાતે આવેલી અમદાવાદ પાસપોર્ટ ઓફિસ સામે આત્મહત્યા કરીશ.”  પોતાના પાસપોર્ટની અરજી અંગેની વિગતો અને તેના મોબાઇલ નંબર સાથેની વિગતો પણ શેર કરી હતી. 27મી મે કરેલા આ ટ્વીટમાં સુષ્માને ટેગ કર્યાં હતાં.
વિદેશપ્રધાન સુષ્માએ લીધું સંજ્ઞાન

સુષ્મા સ્વરાજે આ ટ્વીટ જોઇ તરત કાર્યવાહી કરતાં આજે સવારે તપાસના આદેશ કર્યાં હતા. તેમણે અમદાવાદ પાસપોર્ટ ઓફિસને ટેગ કરીને એક ટ્વીટ કર્યું જેમાં સંતોષબહેનની ફરિયાદ દૂર કરવાનો આદેશ કર્યો હતો. સુષ્માએ લખ્યું હતું કે, “નીલમઃ આજે જ સંતોષબહેનને ઓફિસ બોલાવીને તેમની સમસ્યા કે પીડાને સમજો. આ આખો કેસ શું છે તેનો રીપોર્ટ મને મોકલવામાં આવે.”