આ યાર્ડમાં શરુ થઇ બજાર ભાવ કરતાં વધુ ભાવે ખરીદી, ખેડૂતો ખુશ

0
1634

સુરેન્દ્રનગર– સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાની ખેતી કરતાં ખેડૂતોમાં આજકાલ આનંદ છવાયો છે. કારણ પણ છે ખુશ થવાનું. જિલ્લાના મૂળી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી ચણાની ખરીદી શરુ થઇ જતાં આનંદનો માહોલ છે. અહીં ખરીદ વેચાણ સંઘમાં બજાર ભાવ કરતા પણ વધુ ભાવ આપી ચણાની ખરીદી થઇ રહી છે અને વરસાદ ન આવે ત્યાં સુધી ખરીદી કરવામાં આવશે.મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને વેચાણ કરવા માટે અહીં આવી રહ્યાં છે. પૂરતા ભાવ મળતાં ખેડૂતો ખુશ છે. ખેડૂતોના કહેવા મુજબ અહીં આવવાથી તેમને ઘણો ફાયદો થાય છે અને સમયનો પણ ઓછો બગાડ થાય છે. મૂળી માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન 700 જેટલી ગુણી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન થયા બાદ ખેડૂતોના માલનો નમૂનો મંગાવીને ખરીદી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગુજકોમોસોલના અધિકારી પણ હાજર રહે છે. મહત્વનું છે કે બજારમાં ચણાના 600થી 650 રૂપિયા મળે છે. જ્યારે મૂળી માર્કેટિંગ યાર્ડમાં 880 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળે છે. અત્યાર સુધી લગભગ 5 હજાર જેટલી બોરીની ખરીદી કરવામાં આવી છે અને જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ખરીદી થવાની ચાલુ રહેશે.