પાંડેસરામાં બાળકીની હત્યાનો કેસઃ 3 આરોપીની ધરપકડ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકાર રજૂઆત કરશે

સૂરત- શહેરના પાંડેસરા વિસ્તારમાં મેદાનમાંથી મળી આવેલી 11 વર્ષીય બાળકીના દુષ્કર્મ-હત્યાનો કેસ ઉકેલતાં પોલિસે 3 શખ્સની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.. બાળકીના મૃતદેહને જે ગાડીમાં લાવીને મેદાનમાં ફેંકી દેવાયો હતો તેની ઓળખ થયાં બાદ સઘન બનેલી તપાસમાં આ સફળતા મળી છે. મુખ્ય આરોપી માનવામાં આવતાં હરસહાય ગુર્જર નામના આરોપીને ઝડપી લેવાયો છે.બાળકીના ડીએનએ રીપોર્ટ પ્રમાણે તે બાર વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ આ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્ણ વ્યવહાર થયો હોવાના તબીબી રીપોર્ટ મળ્યાં છે. જોકે આ બાળકી પોતાની હોવાનો દાવો કરનાર આંધ્રપ્રદેશના એક દંપતિ સાથેના ડીએનએ મેચિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ સંદર્ભે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે આ કેસ ઉકેલવામાં પોલિસે બાળકીના 1200થી વધુ ફોટો છપાવી વિતરિત કર્યાં હતાં અને માહિતી આપનાર માટે ઇનામ પણ જાહેર કર્યું હતું. 6 એપ્રિલે બાળકીની લાશ મળી આવી ત્યારથી લઇને દોડી રહેલી પોલિસે આજે આરોપીઓને ઝડપી લીધાં છે.

આ કેસ સંદર્ભે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ યોજીને પોલિસ તપાસ દરમિયાન થયેલી કામગીરીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ બાળકી મૂળ રાજસ્થાનની છે. બાળકીનો મૃતદેહ મળ્યો તેના બે દિવસ પહેલાં બે શખ્સો દ્વારા બ્લેક શેવરોલે કાર ભાડે લેવાઇ હતી.ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી ચેઝ કરીને કારની ઓળક કરવામાં આવી હતી તેની પૂછપરછ કરતાં કેસની કડીઓ મળી હતી. પોલિસે રાજસ્થાનના ગંગાપુર પાસેથી મુખ્ય આરોપીને ઝડપી લીધો છે અને તેને અમદાવાદ લાવવા પોલિસ રવાના થઇ છે. આરોપીઓ સામે પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રેસ દરમિયાન અન્ય એક બાબતનો ઉલ્લેખ કરતાં જાડેજાએ જણાવ્યું કે આ વિસ્તારમાંથી વીસ દિવસ પહેલાં એક મહિલાની લાશ મળી હતી તે બાળકીની માતા હોવાની શંકા છે તેથી બાળકી સાથે તેના ડીએનએ મેચ કરાશે. જાડેજાએ જણાવ્યું કે અપરાધીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. પોલિસની સરાહનીય કામગીરીના કારણે કેસ ઉકેલાયો હોવાની નોંધ લઇને તેમણે કહ્યું કે પોલિસતંત્રના બધાં વિભાગે રાતદિવસ એક કરી કેસ ઉકેલ્યો છે અને લગભગ 400 અધિકારી-કર્મીઓ આ કેસ ઉકેલવામાં કામે લાગ્યાં હતાં.

આ સાથે જાડેજાએ આપેલાં એક નિવેદન પ્રમાણે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તે માટે સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે.

ઘટનાના બધાં અંકોડા મેળવવાના બાકી છે ત્યારે કેટલાક બિનઆધારભૂતસૂત્રોને હવાલે ખબર મળી રહ્યાં છે કે આ કેસમાં માનવ તસ્કરીનો ભંડાફોડ થાય તેમ છે. માતાબાળકીને 30 હજાર રુપિયામાં બોન્ડેડ લેબરવર્ક માટે સૂરત લાવવામાં આવી હોવાની વાત પણ છે.